Advertisement

નડિયાદ‑ખેડા: રૂ. ૨૪૩.૬૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

નડિયાદ‑ખેડા: રૂ. ૨૪૩.૬૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

નડિયાદ‑ખેડા: રૂ. ૨૪૩.૬૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ મહાનગર પાલિકા અને ખેડા જિલ્લાને રૂ. ૨૪૩.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપીને શહેરી માળખાકીય સુવિધા માટે રાજ્ય સરકારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરના પ્રગતિનગર અને યોગીફાર્મ ખાતે આયોજીત કાર્યક્રમને વિકાસ ઉત્સવ ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિક અને પૂજ્ય રવિશંકર મહારાજને વંદન કરીને ખેડા જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોના રૂ. ૨૪૩.૬૩ કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમહૂર્ત કર્યું હતું.

વિકાસની રાજનીતિથી વિકાસની મુખ્ય ધારામાં લાવી દીધા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ ઉજવાઈ રહ્યું છે, ત્યારે સરદાર સાહેબની જન્મભૂમિને વિવિધ વિકાસ પ્રકલ્પોને ભેટ આપવાની તકને સૌભાગ્યશાળી ગણાવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાને ગામડાથી મહાનગરો સુધીના સૌ લોકોને વિકાસની રાજનીતિથી વિકાસની મુખ્ય ધારામાં લાવી દીધા છે. આવાસ, આરોગ્ય, આહાર અને અભ્યાસ આ પાયાની સુવિધાઓ દરેક ગામો-નગરોને મળે અને આર્થિક, સામાજિક, ઔદ્યોગિક સહિત તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય એવી વડાપ્રધાનની નેમ આજે સાકાર થઈ રહી છે, તેમ તેમણે ગર્વભેર જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ નડિયાદવાસીઓને શહેરને સ્વચ્છ બનાવવા સતત પ્રયત્નશીલ રહેવા હાંકલ કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવી રચાયેલી મહાનગર પાલિકાઓમાં શહેરી જન સુખાકારીના કામો અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામો માટે પૈસાની કોઈ અછત ના રહે, તેવું નક્કર નાણાકીય આયોજન સરકારે કર્યું છે. નડિયાદ મહાનગર પાલિકાની રચના બાદ માત્ર છ મહિનામાં જ રૂ. ૨૬૧ કરોડ રૂપિયા શહેરી વિકાસ કામો માટે રાજ્ય સરકારે આપ્યા છે. આજે ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને પણ રોડ-રસ્તા, પાણી-પુરવઠા, આરોગ્ય કેન્દ્ર અને પંચાયત ઘર, શાળાના ઓરડા એમ કુલ રૂ. ૮૧ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ મળી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું. એક પેડ માં કે નામ, કેચ ધ રેઈન વગેરે અભિયાનનો ઉલ્લેખ કરીને તેમણે મહાનગરોમાં નવા વિકસતા વિસ્તારોમાં ભૂગર્ભ જળ સંચયની વાત કરી હતી. સ્વચ્છતા પર ભાર મૂકીને મુખ્યમંત્રીએ નડિયાદવાસીઓને શહેરને સ્વચ્છ બનાવવા સતત પ્રયત્નશીલ રહેવા હાંકલ કરી હતી.

ફાયર સેફ્ટી અને સફાઈની સેવાઓ સુદ્રઢ બનશે

આ અવસરે સાંસદ દેવુસિંહ ચૌહાણે કાર્યક્રમમાં શહેરીકરણનો ટૂંકો ઐતિહાસિક પરિચય આપી જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસના પાયામાં શહેરી વિકાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મુખ્યમંત્રીના વિશ્વાસ પર ખરા ઉતરવા અને વિકાસકાર્યોમાં સહયોગ આપવા માટે કટિબદ્ધ થવા દેવુસિંહ ચૌહાણે ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, નડિયાદના પ્રગતિ નગર ખાતે વરસાદમાં જર્જરીત થયેલા ૯૦૦ મકાનોના પુનઃવસવાટ માટે આજનો લોકાર્પણ કાર્યક્રમ સમગ્ર રાજ્ય માટે ઉદાહરણરૂપ બનશે. ધારાસભ્ય પંકજ દેસાઈએ ઉમેર્યું હતું કે, આજે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરાયેલ સીટી બસ, ફાયર ફાઈટર અને ગાર્બેજ વાનની મદદથી શહેરીજનોની પરિવહન, ફાયર સેફ્ટી અને સફાઈની સેવાઓ સુદ્રઢ બનશે.

રૂ. ૧૧૦.૯૧ કરોડના કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ માટે ઈ-તકતી અનાવરણ કર્યું

મુખ્યમંત્રીએ પ્રગતિનગર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ, વડોદરા દ્વારા રૂ. ૧૩૨.૭૨ કરોડના ખર્ચે રીડેવલેપમેન્ટ થનાર કુલ ૯૦૦ મકાનોનું ભૂમિપૂજન અને ખાતમહૂર્ત કર્યું હતું. પ્રગતિનગર-પુનેશ્વરમાં ૩૦૦+૬૦૦ LIG (લો-ઇનકમ ગ્રુપ) આવાસોનું ૨૮,૧૭૪ ચોરસ મીટરના વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે. આ પ્રસંગે આ ઘરના લાભાર્થીઓને મુખ્યમંત્રીને ફુલ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ ચાર સીટી બસ, એક અદ્યતન ફાયર ફાઈટર અને ગાર્બેજ વાનની સેવાઓનો ફલેગ ઓફ આપી પ્રાંરભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, યોગી ફાર્મ ખાતેથી નડિયાદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના કુલ રૂ. ૧૧૦.૯૧ કરોડના કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ માટે ઈ-તકતી અનાવરણ કર્યું હતું.

ગુજરાત હાઉસીંગ બોર્ડના મુખ્ય ઈજનેર એચ. વી. ઝડફીયાએ આભારવિધિ કરી હતી

કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીના હસ્તે નડિયાદ મહાનગરપાલિકા અર્બન ડેવલપમેન્ટ પ્લાન પુસ્તિકા, લોગો અને વેબસાઈટનું વિમોચન કરવામાં આવ્યું હતું. તદુપરાંત શહેરના ગૌરવશાળી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી 'સંત, સાક્ષર અને સરદારની ભૂમિ' નડિયાદની ધરોહર અંગે માહિતી આપતી ફિલ્મ નિહાળવામાં આવી હતી. મનપા કમિશનર જી.એચ.સોલંકીએ નડિયાદ મહાનગર પાલિકાના વિવિધ વિકાસકામોની રૂપરેખા આપી હતી. તથા ગુજરાત હાઉસીંગ બોર્ડના મુખ્ય ઈજનેર એચ. વી. ઝડફીયાએ આભારવિધિ કરી હતી.

અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે ધારાસભ્ય સર્વ અર્જુનસિંહ ચૌહાણ, સંજયસિંહ મહીડા, કલ્પેશભાઈ પરમાર, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેશભાઈ ઝાલા, કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, મનપા કમિશનર જી.એચ.સોલંકી, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિક્ષક એસ. બી. વસાવા, મુખ્ય ઈજનરે એચ.વી.ઝડફીયા, નિવાસી અધિક કલેક્ટર જે.બી. દેસાઈ, અગ્રણી નયનાબેન પટેલ, જ્હાનવીબેન વ્યાસ, અપુર્વ પટેલ, અમુલ ડેરી ચેરમેન વિપુલ પટેલ, બી.એ.પી.એસ. મંદિરના સંત કોઠારી સ્વામી સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement