નડિયાદ હાઈકોર્ટ: સરદાર ભુવનના જોખમી દુકાનોના પુનર્વસન મામલે કોર્પોરેશન કમિશનરને નોટિસ
ગુજરાત હાઈકોર્ટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને ડેપ્યુટી કમિશનરોને કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. અદાલતના આદેશનો અનાદર કરવા બદલ દાખલ થયેલી સિવિલ કન્ટેમ્પટ પિટિશનમાં અધિકારીઓ પર અગાઉના આદેશનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
આ મામલો એક અત્યંત સરદાર ભુવનની જોખમી બિલ્ડિંગ અને તેમાં રહેલા દુકાનદારોના પુનર્વસન સાથે સંબંધિત છે. નિષ્ણાતોએ આ બિલ્ડિંગને ગટરની મુખ્ય કાંસ પર બનેલું હોવાથી અત્યંત જોખમી જાહેર કર્યું હતું. અદાલતે દુકાનદારો અને મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અગાઉ આદેશો જારી કર્યા હતા.
1 મે, 2025ના રોજ હાઈકોર્ટમાં થયેલા સમાધાન મુજબ, કોર્પોરેશને કાશીભાઈ પાર્ક પાસે 40 દુકાનદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી. કોર્પોરેશનના વકીલે તે સમયે જણાવ્યું હતું કે આશરે પાંચ મહિનામાં અર્ધ-કાયમી માળખું બનાવીને દુકાનદારોને સ્થળાંતરિત કરવામાં આવશે. અધિકારીઓએ કોર્ટમાં બાંહેધરી આપી હતી કે, જોખમી બિલ્ડિંગના દુકાનદારોને નવી જગ્યાએ તેટલા જ કદની દુકાનો ફાળવવામાં આવશે.
આ વચનો અને સમાધાનના આધારે હાઈકોર્ટે અગાઉ અપીલનો નિકાલ કર્યો હતો. જોકે, કોર્પોરેશન દ્વારા આ આદેશનું પાલન ન થતાં અરજદારોએ ફરીથી અદાલતનો સંપર્ક કર્યો છે. કોર્ટે 'ડાયરેક્ટ સર્વિસ'ની મંજૂરી આપીને આ મામલે તાત્કાલિક સુનાવણી હાથ ધરી હતી.
અદાલતે અગાઉ નોંધ્યું હતું કે, જો કોઈ દુકાનદાર સહકાર ન આપે તો કોર્પોરેશન કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. પરંતુ કોર્પોરેશન પોતે જ આપેલા વચનોનું પાલન કરવામાં નિષ્ફળ રહેતા હવે ઉચ્ચ અધિકારીઓ પર કાયદાકીય કાર્યવાહીનો ખતરો તોળાઈ રહ્યો છે. આ કેસની આગામી સુનાવણી 24 ડિસેમ્બર, 2025ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં અધિકારીઓએ વ્યક્તિગત રીતે અથવા તેમના વકીલ મારફતે હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે.
નડિયાદમાં 47 વર્ષ જૂનું સરદાર ભુવન તોડી પડાયું
નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રશાસન દ્વારા આજે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. હાઇકોર્ટની મંજૂરી બાદ આજે 9 JCB અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 47 વર્ષ જૂનું સરદાર ભુવન તોડી પડાયું હતું.