નડિયાદ એસટી વિભાગમાં જાતીય સતામણી સામે ઓપન હાઉસ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નડિયાદ વિભાગ ખાતે નારી વંદન સપ્તાહ નિમિતે મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળે જાતીય સતામણી અને ફરિયાદ નિવારણ સંદર્ભે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિભાગીય નિયામક સી.ડી. મહાજન, સિનિયર લેબર ઓફિસર અને વહીવટી અધિકારી તેમજ મહિલા જાતીય સતામણી નિવારણ કમિટીના નોડલ ઓફિસર એચ.બી. તલાટી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મહિલા જાતીય સતામણી નિવારણના અધ્યક્ષ અને બોરસદ ડેપો મેનેજર સુનિતાબેન પાંડે પણ હાજર રહ્યા હતા. નડિયાદ જિલ્લાના મહિલા તથા બાળ વિકાસ અધિકારી ફરજાનાબેન, એડવોકેટ પારુલબેન તેમજ અભયમ ટીમના પ્રોજેક્ટ કોર્ડીનેટર ચંદ્રકાંતભાઈ મકવાણા અને અભયમ ટીમના સદસ્યોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
એડવોકેટ પારુલબેન મકવાણાએ કાર્યસ્થળ પર થતી જાતીય સતામણી અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ 2013 કાયદાની મુખ્ય જોગવાઈઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. મહિલા અને બાળ અધિકારીએ મહિલા અને બાળ વિકાસ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.
અભયમ 181 મહિલા હેલ્પ લાઇનના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર ચંદ્રકાંતભાઈ મકવાણા અને તેમની ટીમે પ્રોજેક્ટર દ્વારા વિવિધ વીડિયો બતાવી 181 મહિલા હેલ્પલાઇન અને અભયમ ટીમની કામગીરી વિશે માહિતી આપી હતી. તેમણે મહિલાઓને મુશ્કેલીના સમયે 181 ટોલ ફ્રી નંબર પર કોલ કરવા અનુરોધ કર્યો હતો.
વિભાગીય નિયામકે મહિલાઓને જાતીય સતામણી અટકાવવાના ઉપાયો, કાયદાકીય માર્ગદર્શન અને ફરિયાદ અંગે સમજ આપી હતી. કાર્યક્રમના અંતે મહિલા કર્મચારીઓને પોતાના પ્રશ્નો પૂછવાની તક આપવામાં આવી હતી, જેના વિષય નિષ્ણાતો દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.