Advertisement

નડિયાદ બારમાં ચાર મુખ્ય પદો માટે રસાકસી, મધ્યાહ્ન સુધી મતદાન 50%

નડિયાદ બારમાં ચાર મુખ્ય પદો માટે રસાકસી, મધ્યાહ્ન સુધી મતદાન 50%

નડિયાદ બાર એસોસિએશનના આગામી એક વર્ષના કાર્યકાળ માટે આજે હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી સહિત ચાર મુખ્ય પદો માટે રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. સવારથી જ વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, જેમાં 900થી વધુ વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સૌથી વધુ રસાકસી પ્રમુખ પદ માટે છે, જ્યાં ચાર ઉમેદવારો મેદાનમાં છે. આ પદ માટે અશોકભાઈ મહીડા, કિરીટ બારોટ, સુનિલ પટેલ અને ભાવિકાબેન ચૌહાણ વચ્ચે ચતુષ્કોણીય જંગ છે.

ઉપપ્રમુખ પદ માટે રીતેષ પટેલ અને વિલાસ અમીન વચ્ચે સીધી ટક્કર છે. સેક્રેટરી પદ માટે અમિતકુમાર વ્યાસ અને અરવિંદભાઈ પરમાર મેદાનમાં છે, જ્યારે જોઈન્ટ સેક્રેટરી તરીકે ભૂષણ સોલંકી અને કશ્યપ સોની ભાગ્ય અજમાવી રહ્યા છે.

કેટલાક પદો પર બિનહરીફ વરણી પણ થઈ ચૂકી છે. મહિલા અનામત સીટ પર ખજાનચી તરીકે ચારૂલત્તા પંડ્યા અને લાઈબ્રેરી સેક્રેટરી તરીકે ધવલ ત્રિવેદી બિનહરીફ ચૂંટાયા છે. આ ઉપરાંત, કારોબારી સભ્યો તરીકે ગાયત્રીબેન ઠાકોર અને શિતલકુમાર પટેલ પણ બિનહરીફ જાહેર થયા છે.

કારોબારી સભ્યોની બાકીની બેઠકો માટે સાત ઉમેદવારો મેદાનમાં છે. જેમાં બાબુભાઈ બાંમ્ભા, ગીરીશભાઈ સોલંકી, જીગ્નેશકુમાર બારોટ, જયદીપસિંહ રાજપરમાર, પ્રહલાદસિંહ મહીડા, લુકમાન વહોરા અને વસંતભાઈ દેસાઈનો સમાવેશ થાય છે.

મતદાન પ્રક્રિયા સવારે 8:30 વાગ્યે શરૂ થઈ હતી અને બપોરે 4:00 વાગ્યા સુધી ચાલશે. બપોરે 1:00 વાગ્યા સુધીમાં 50%થી વધુ મતદાન નોંધાયું હતું. સાંજે 4:30 કલાકે મતગણતરી શરૂ થશે અને મોડી સાંજ સુધીમાં તમામ પરિણામો જાહેર કરવામાં આવશે.

Advertisement