નડિયાદ બાર એસોસિએશનની ચૂંટણી તારીખ જાહેર
નડિયાદ બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી સહિતના મહત્વના પદો માટે આગામી 19મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં એક વર્ષ માટે નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે.
બારમાં નોંધાયેલા 900થી વધુ વકીલો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન બાદ એ જ દિવસે મોડી સાંજ સુધીમાં પરિણામ પણ જાહેર થવાની શક્યતા છે. સૌથી વધુ ધ્યાન ખેંચી રહેલા પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. આ પદ માટે અશોકભાઈ મહીડા, ભાવિકાબેન ચૌહાણ, કિરીટ બારોટ અને સુનિલ પટેલે ઉમેદવારી નોંધાવી છે.
આ ઉમેદવારોમાં ભાવિકા ચૌહાણ સૌથી યુવા દાવેદાર છે. તેમણે વકીલોને પડતી અગવડતા અને પોલીસ મથકોમાં થતી કનડગત સહિતના મુદ્દે સંપૂર્ણ સહયોગ આપવાના વિઝન સાથે ઉમેદવારી કરી છે. યુવા ઉમેદવાર ભાવિકા ચૌહાણે ખાસ કરીને યુવા વકીલોને ધ્યાનમાં રાખીને એક મહત્વનું લક્ષ્ય રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેમનું મુખ્ય લક્ષ્ય જૂનિયર વકીલો અને ઈન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ વર્ગો શરૂ કરવાનું છે, જે તેમને કાયદાકીય કારકિર્દીમાં આગળ વધવામાં મદદરૂપ થશે.
અન્ય મહત્વના પદોની વાત કરીએ તો, ઉપપ્રમુખ પદ માટે રીતેષ પટેલ અને વિલાસ અમીન મેદાનમાં ઉતર્યા છે. સેક્રેટરી તરીકે અમિતકુમાર વ્યાસ અને અરવિંદભાઈ પરમાર વચ્ચે સીધો મુકાબલો છે. જોઈન્ટ સેક્રેટરી પદ માટે પણ ભૂષણ સોલંકી અને કશ્યપ સોની ચૂંટણી જંગમાં ઉતર્યા છે. દરમિયાન, ખજાનચી ચારૂલત્તા પંડ્યા મહિલા અનામત સીટ પર અને લાઈબ્રેરી સેક્રેટરી ધવલ ત્રિવેદી બિનહરીફ ચૂંટાયા છે. આ ઉપરાંત, કારોબારી સભ્યો તરીકે ગાયત્રીબેન ઠાકોર અને શિતલકુમાર પટેલ પણ બિનહરીફ ચૂંટાયા છે.
જોકે, કારોબારી સભ્યોની ચૂંટણી માટે સાત ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં બાબુભાઈ બાંમ્ભા, ગીરીશભાઈ સોલંકી, જીગ્નેશકુમાર બારોટ, જયદીપસિંહ રાજપરમાર, પ્રહલાદસિંહ મહીડા, લુકમાન વહોરા અને વસંતભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. 19મીએ યોજાનાર મતદાન બાદ નડિયાદ બાર એસોસિએશનને તેના નવા હોદ્દેદારો મળશે.