આંકલાવ તાલુકાના ગંભીરામાં ગત મંગળવારે મહી નદીમાં બોટ પલટી જવાની ઘટના બની હતી. જેમાં 20 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. હવેની સ્થિતિ એવી છે કે, બે હોમગાર્ડના જવાનોને તંત્રએ તૈનાત કરી દીધા છે અને કોઈ પણ વ્યક્તિને ત્યાં બોટ દ્વારા અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ સમગ્ર મામલામાં ધંધા-રોજગાર માટે જતા 3 હજારથી વધુ લોકોને હવે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ગંભીરા ગામના સરપંચે કલેક્ટરને ઉદેશીને એક પત્ર લખ્યો છે, જેમાં નદી પેલે પાર જવા તાત્કાલિક ધોરણે સરકારી બોટ સહાય સેવા શરૂ કરવાની માંગ કરી છે.
સરપંચ દ્વારા કલેક્ટરને ઉદેશીને લખવામાં આવેલા આ પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગંભીરા ગામ એ આંકલાવ તાલુકાનું છેવાડનું ગામ છે. બ્રિજ તુટવાના કારણે નોકરી-રોજગાર કે પછી ધંધા-અભ્યાસ અર્થે પેલે પાર જઈ રહેલા લોકોને ઘણી તકલીફ પડે છે. હાલમાં ગંભીરા ઉપરાંત અહીંના આસપાસના ગામોમાં રહેતા લોકોની સ્થિતિ ખૂબ વિકટ છે. તેથી તાત્કાલિક સરકારી બોટની વ્યવસ્થા કરવામાં આવે તો નોકરી તથા રોજગાર-ધંધા અર્થે જઈ રહેલા લોકોનો પ્રશ્ન હલ થાય. નોંધનીય છે કે, ગંભીરા સહિતના ગામોમાં વસતા મોટાભાગના લોકો વડોદરા, પાદરા, મંજુસરમાં નોકરી-રોજગાર માટે જતા હોય છે. હાલમાં નદી પરના રસ્તા પરથી પ્રતિબંધ ફરમાવવાના કારણે મોટાભાગના લોકોને ફરીને જવું પડે છે. જેમાં નાણાં અને સમયનો ખૂબ જ વ્યય થાય છે.