Advertisement

નાસિકના ઢોંગી બાબાની ક્રાઈમ કુંડળી ખુલ્લી, SIT તપાસમાં મોટો ભાંડો ફૂટ્યો

નાસિકના ઢોંગી બાબાની ક્રાઈમ કુંડળી ખુલ્લી, SIT તપાસમાં મોટો ભાંડો ફૂટ્યો

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કહેવાતા ગોડમેન અને ઢોંગી બાબા અશોક ખરાત વિરુદ્ધ નોંધાયેલા દુષ્કર્મના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા ચાલી રહેલી તપાસમાં ખરાત સાથે સંકળાયેલા અનેક ગંભીર મુદ્દાઓ બહાર આવ્યા છે.


તપાસ મુજબ અશોક ખરાત સંબંધી લગભગ 100 અશ્લીલ વીડિયો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત તેની પાસે આશરે 1500 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ મામલે હવે ઇન્કમ ટેક્સ વિભાગે પણ તપાસ શરૂ કરી છે અને તેની સંપત્તિ તથા આર્થિક લેવડદેવડ અંગે તપાસ ચાલી રહી છે.


સત્તાવાર દસ્તાવેજો મુજબ મહારાષ્ટ્ર સરકારે 13 માર્ચ 2018ના રોજ પ્રવાસન વિકાસ યોજના હેઠળ અશોક ખરાત સંકળાયેલા મંદિરના વિકાસ માટે એક કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કર્યું હતું. તે સમયે ભાજપના નેતા જયકુમાર રાવલ પર્યટન અને સાંસ્કૃતિક વિભાગ સંભાળી રહ્યા હતા.


 નાસિક જિલ્લાના સિન્નર વિસ્તારમાં આવેલા શ્રી ઈશાન્યેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવતું હતું અને આ ટ્રસ્ટ અશોક ખરાત સંભાળતો હતો.

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 35 વર્ષીય મહિલાએ 18 માર્ચે ખરાત વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ લગાવ્યો.


 મહિલાનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી ખરાતે તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. હાલ અશોક ખરાત પોલીસ કસ્ટડીમાં છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે.



તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે ખરાતના ઘણા રાજકીય નેતાઓ સાથે નજીકના સંબંધો હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને એક આઈપીએસ અધિકારીની આગેવાની હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવી છે. SIT દ્વારા અત્યાર સુધી ખરાત વિરુદ્ધ છ અલગ અલગ કેસ નોંધવામાં આવ્યા છે.


મહારાષ્ટ્ર પોલીસ અને રાજ્ય સરકાર સમગ્ર મામલે નજર રાખી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ધાર્મિક અને પ્રવાસન સ્થળો માટે ફંડ આપવાની પ્રક્રિયા નિયમિત હોય છે અને તે સમયે ઉપલબ્ધ માહિતીના આધારે નિર્ણય લેવાયો હતો. જોકે હવે ગંભીર આરોપો સામે આવ્યા હોવાથી સમગ્ર મામલે વિસ્તૃત તપાસ ચાલી રહી છે.


અધિકારીઓનું કહેવું છે કે આવનારા સમયમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.

Advertisement