Advertisement

નાસિકમાં કાળજું કંપાવનારી ઘટના: કાર કૂવામાં ખાબકતા એક જ પરિવારના 9 સભ્યોના મોત, મૃતકોમાં 6 બાળકો સામેલ

નાસિકમાં કાળજું કંપાવનારી ઘટના: કાર કૂવામાં ખાબકતા એક જ પરિવારના 9 સભ્યોના મોત, મૃતકોમાં 6 બાળકો સામેલ

નાસિક: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દિંડોરી તાલુકામાં મોડી રાત્રે એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો હતો. એક પારિવારિક કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા દરગુડે પરિવારની મારુતિ XL6 કાર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રસ્તા કિનારે આવેલા ઊંડા કૂવામાં ખાબકી હતી. આ ભીષણ દુર્ઘટનામાં પરિવારના 9 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


 અકસ્માતનો ભોગ બનેલા તમામ મૃતકો દિંડોરી તાલુકાના ઇન્દોર ગામના રહેવાસી હતા. મૃતકોમાં 32 વર્ષીય સુનીલ દરગુડે, તેમની પત્ની રેશ્મા અને પુત્રી સહિત પરિવારના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે આ દુર્ઘટનામાં 6 નિર્દોષ બાળકોના પણ મોત થયા છે, જેમાં સૌથી નાની બાળકી માત્ર 7 વર્ષની હતી. રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ જ્યારે પરિવાર ખુશી-ખુશી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે કાળમુખા અકસ્માતે આખા પરિવારનો માળો વિખેરી નાખ્યો હતો.


 ઘટનાની જાણ થતા જ દિંડોરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ નિરીક્ષકના જણાવ્યા અનુસાર, શિવાજી નગર વિસ્તારમાં આવેલા આશુ રાજેના કૂવામાં કાર ખાબકી હોવાની વિગતો મળતા જ તાત્કાલિક બે હાઈડ્રા ક્રેન અને કુશળ તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ મધરાતે 12:15 વાગ્યાની આસપાસ કાર અને તમામ 9 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement