નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટના વેધક સવાલો, FIR નોંધવામાં વિલંબ કેમ? 4 ડિસેમ્બરે વધુ સુનાવણી

નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટના વેધક સવાલો, FIR નોંધવામાં વિલંબ કેમ? 4 ડિસેમ્બરે વધુ સુનાવણી

નાસીરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે મુખ્ય અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સિંગલ જજે રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ની કામગીરી સામે અનેક વેધક સવાલો ઉઠાવ્યા હતા. ખાસ કરીને એડવોકેટ જનરલની ખાતરી બાદ પણ અધિકારીઓ દ્વારા મનમાની કરવામાં આવી રહી હોવા અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, સમગ્ર મામલે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આગામી એક અઠવાડિયાથી 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ અંગે કોર્ટે સવાલ કર્યો હતો કે, જો તપાસ પૂર્ણ થઈ ગઈ છે તો હજુ સુધી FIR કેમ નોંધવામાં આવી નથી? શું બે અધિકારીઓની કમિટી નક્કી કરી શકે કે FIR નોંધવી કે નહીં?

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ ખાતરી આપી હોવા છતાં અધિકારીઓએ તેનું પાલન કેમ કર્યું નથી? રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારીની સલાહ અધિકારીઓ ન માને તેવી પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ? આ મામલે રાજ્યના ચીફ સેક્રેટરીએ પણ ધ્યાન આપવું જોઈએ અને એડવોકેટ જનરલની સલાહ વિરુદ્ધ કામ કરનારા અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવશે તે અંગે રાજ્યએ સ્પષ્ટતા કરવી જોઈએ.

કોર્ટે SMCના વલણ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. ડિમોલિશન ગેરકાયદેસર રીતે થયું હોવા છતાં અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે કે કેમ તે અંગે રાજ્ય સરકારનો અભિપ્રાય માંગ્યો હતો. શું રાજ્ય સરકાર પણ SMCના આ વલણ સાથે સહમત છે? શું અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા ન આપવાની રાજ્યની કોઈ નીતિ છે? તે અંગે સર્વોચ્ચ સ્તરેથી સૂચનો મેળવીને જવાબ રજૂ કરવા કોર્ટે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ નાસીરનગર ડિમોલિશન મામલે અસરગ્રસ્તોને મકાન આપવાના મુદ્દે SMC દ્વારા વલણ બદલવામાં આવતા હાઈકોર્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને 27 નવેમ્બરે બીજી વખત કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. સાથે જ બંને અધિકારીઓ સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કેમ ન કરવામાં આવે તે અંગે જવાબ પણ માંગવામાં આવ્યો હતો.

જોકે, સિંગલ જજના આદેશ સામે સુરત મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ડિવિઝન બેન્ચમાં અપીલ કરવામાં આવી હતી. 26 નવેમ્બરે ડિવિઝન બેન્ચ સમક્ષ લગભગ સાડા ત્રણ કલાકથી વધુ સમય સુધી સુનાવણી ચાલી હતી. ત્યારબાદ સિંગલ જજના અગાઉના હુકમ પર સ્ટે આપવામાં આવ્યો હતો. જેના પગલે 27 નવેમ્બરે બંને અધિકારીઓને સિંગલ જજ સમક્ષ હાજર રહેવાની જરૂર રહી નહોતી.

હવે આ સમગ્ર મામલે હાઈકોર્ટે વધુ સુનાવણી માટે 4 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. આ સુનાવણીમાં રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓ દ્વારા શું જવાબ રજૂ કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.