આણંદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે આજે (4 એપ્રિલ) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે ભાજપ દ્વારા ભવ્ય રોડ શો અને શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીની હાજરીમાં ભવ્ય રોડ શો
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ઉમરેઠ શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉમેદવાર હર્ષદ પરમાર ખુલ્લી જીપમાં સવાર થઈને નગરજનોનું અભિવાદન ઝીલ્યું હતું. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયા હતા.
પિતાના અવસાન બાદ પુત્રને તક
ઉલ્લેખનીય છે કે, ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધન થયું હતું. તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપ હાઇકમાન્ડે સહાનુભૂતિ અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને તેમના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ
આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટિકિટની જાહેરાત બાદ ઉમરેઠ પંથકમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પેટા ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ઉમરેઠ પેટા ચૂંટણીની મહત્વપૂર્ણ તારીખો
• ગેઝેટ નોટિફિકેશન: 30 માર્ચ 2026
• ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ: 06 એપ્રિલ 2026
• ઉમેદવારોની ચકાસણી: 07 એપ્રિલ 2026
• ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: 09 એપ્રિલ 2026
• મતદાન: 23 એપ્રિલ 2026
• મતગણતરી: 04 મે 2026