Advertisement

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો

 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મુક્તપણે વિહરતા એશિયાઈ સિંહો સહિત વિવિધ વન્યજીવોના કુદરતી આવાસમાં દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો હતો.


મુખ્યમંત્રીએ ગીર સફારીના કેરંભા થાણા વિસ્તારની ખાસ મુલાકાત લીધી હતી. અહીં તેમણે બે અલગ-अलग સ્થળોએ સિંહોને નજીકથી નિહાળ્યા હતા. સિંહોને તેમની સ્વાભાવિક પરિસ્થિતિમાં જોવાનો અનુભવ તેમના માટે સ્મરણીય રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.


આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ગીરમાં સિંહ સંવર્ધન અને સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી બહુસ્તરીય કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી હતી તેમજ વન કર્મીઓની કામગીરીને બિરદાવતા તેમને પ્રોત્સાહિત કર્યા હતા.


વન વિભાગની વર્ષ 2025ની વસ્તી ગણતરી અનુસાર ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિંહ વસાહતવાળા વિસ્તારોમાં કુલ 891 સિંહો વસવાટ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલ ‘પ્રોજેક્ટ લાયન’ સિંહોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.


હાલમાં ગીર સફારી પાર્ક અને તેના આસપાસના વિસ્તારોમાં પ્રવાસીઓ માટે જંગલ સફારીના કુલ 13 રૂટ કાર્યરત છે. તાજેતરમાં વાઇલ્ડલાઇફ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનની ગીર મુલાકાત બાદ અહીં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના કારણે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ સર્જાઈ છે.


મુખ્યમંત્રીને સાસણના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement