Advertisement

મુંબઈવાસીઓ માટે ખુશખબર: મેટ્રો 3 (Aqua Line) પદયાત્રીઓ માટે બનશે 'અંડરગ્રાઉન્ડ સિટી', મળશે ટોક્યો જેવો અનુભવ

મુંબઈવાસીઓ માટે ખુશખબર: મેટ્રો 3 (Aqua Line) પદયાત્રીઓ માટે બનશે 'અંડરગ્રાઉન્ડ સિટી', મળશે ટોક્યો જેવો અનુભવ

મુંબઈ: મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન બાદ હવે મેટ્રો 3 (Aqua Line) શહેરની કાયાપલટ કરવા જઈ રહી છે. આ મેટ્રો લાઇન હવે માત્ર ટ્રેનની મુસાફરી પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ પદયાત્રીઓ માટે એક અત્યાધુનિક અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડશે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRCL) દ્વારા BKC અને સાયન્સ સેન્ટર જેવા સ્ટેશનોથી આસપાસના ઓફિસ કોમ્પ્લેક્સ અને પ્રવાસન સ્થળોને જોડવા માટે અંદાજે 3 કિલોમીટર લાંબુ ભવ્ય ટનલ નેટવર્ક બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.


કયા વિસ્તારોને મળશે ડાયરેક્ટ કનેક્ટિવિટી?

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ મુખ્યત્વે બે સ્ટેશનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે:


સાયન્સ સેન્ટર સ્ટેશન: અહીંથી 1.1 કિમી લાંબી ટનલ મહાલક્ષ્મી રેસકોર્સ થઈને સીધી વરલી પ્રોમેનેડ સુધી જશે. આ ઉપરાંત, બીજી 500 મીટરની અંડરગ્રાઉન્ડ ટનલ નેહરુ પ્લેનેટોરિયમને મેટ્રો સ્ટેશન સાથે જોડશે.


BKC મેટ્રો સ્ટેશન: અહીંથી 1.4 કિમીની અંડરગ્રાઉન્ડ લિંક બનાવવામાં આવશે, જે આગામી હાઈ-સ્પીડ રેલ ટર્મિનલ (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) અને ડાયમંડ બોર્સને સીધી કનેક્ટિવિટી આપશે.


ટોક્યો જેવો અનુભવ અને ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD)

શહેરી વિકાસ નિષ્ણાતોના મતે, આ સબવેનો ઉપયોગ માત્ર રસ્તો ઓળંગવા માટે જ નહીં, પરંતુ જાપાનના ટોક્યો સ્થિત વિશ્વવિખ્યાત 'શિંજુકુ સ્ટેશન'ની જેમ એક 'એક્ટિવ પબ્લિક એન્વાયરમેન્ટ' તરીકે થવો જોઈએ. આ અંડરગ્રાઉન્ડ વોક-વેમાં રિટેલ સ્ટોર્સ, રેસ્ટોરન્ટ્સ અને હૉકર માર્કેટનો પણ સમાવેશ કરી શકાશે, જેનાથી મુસાફરોને સુવિધા મળવાની સાથે મેટ્રોની નોન-ફેર આવકમાં પણ જંગી વધારો થશે.


સરકારે TOD પોલિસી અમલી બનાવી, ડેવલપર્સ માટે મોટી શરત

આ પ્રોજેક્ટને વેગ આપવા મહારાષ્ટ્ર સરકારે નવી TOD (Transit Oriented Development) પોલિસી અમલી બનાવી છે. આ પોલિસી હેઠળ, ડેવલપર્સ તેમના પ્લોટ પર 100% સુધી વધારાની FSI (Floor Space Index) મેળવી શકશે. પરંતુ, આ માટે એક મોટી શરત રાખવામાં આવી છે. ડેવલપર્સે પોતાના ખર્ચે પોતાની બિલ્ડિંગને મેટ્રો સ્ટેશન સાથે અંડરગ્રાઉન્ડ વોક-વે દ્વારા જોડવી પડશે. જો આ જોડાણ પૂર્ણ નહીં થાય, તો બિલ્ડિંગને ઓક્યુપેશન સર્ટિફિકેટ (OC) આપવામાં આવશે નહીં.


સુરક્ષા અને સુવિધાના મુખ્ય પડકારો

આ પ્રોજેક્ટ જેટલો આકર્ષક છે, તેટલા જ તેના પડકારો પણ છે. ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ્સનું માનવું છે કે, આ ટનલની ખરી સફળતા તેની પેસેન્જર સુવિધા પર નિર્ભર છે. મેટ્રો સ્ટેશનો જમીનથી 10 થી 25 મીટર ઊંડા હોવાથી, દરેક એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર પૂરતી સંખ્યામાં એસ્કેલેટર અને લિફ્ટ હોવી અનિવાર્ય છે. આ ઉપરાંત, ટનલની અંદર પૂરતો પ્રકાશ, 24x7 વેન્ટિલેશન અને ઈમરજન્સી એક્ઝિટની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ, જેથી કોઈપણ મુસાફરને 'ક્લોસ્ટ્રોફોબિયા' (બંધ જગ્યામાં ગૂંગળામણ કે ડર) જેવી સમસ્યાનો સામનો ન કરવો પડે.

Advertisement