મુંબઈના NMACCમાં શરૂ થઈ ‘ધ લાઇબ્રેરી’, પુસ્તકો સાથે ભોજન અને સંસ્કૃતિનો અનોખો સંગમ; લોન્ચ ઇવેન્ટમાં બોલિવૂડ સેલેબ્સની હાજરી

મુંબઈના NMACCમાં શરૂ થઈ ‘ધ લાઇબ્રેરી’, પુસ્તકો સાથે ભોજન અને સંસ્કૃતિનો અનોખો સંગમ; લોન્ચ ઇવેન્ટમાં બોલિવૂડ સેલેબ્સની હાજરી

મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે 1 નવેમ્બરથી એક નવા આકર્ષણ ‘ધ લાઇબ્રેરી’ની શરૂઆત કરવામાં આવી છે. વાંચનપ્રેમીઓ અને કલા-સંસ્કૃતિમાં રસ ધરાવતા લોકો માટે તૈયાર કરવામાં આવેલી આ ખાસ જગ્યા પર પુસ્તકો, ઉત્તમ ભોજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો અનોખો અનુભવ મળશે. તેના લોન્ચિંગ પ્રસંગે બોલિવૂડના અનેક જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

‘ધ લાઇબ્રેરી’ના લોન્ચિંગ ઇવેન્ટમાં અભિનેતા સૈફ અલી ખાન પત્ની કરીના કપૂર સાથે જોવા મળ્યો હતો. જ્યારે શાહિદ કપૂર પત્ની મીરા કપૂર સાથે પહોંચ્યો હતો. અભિનેત્રી કાજોલ પોતાની દીકરી ન્યાસા દેવગણ સાથે હાજરી આપી હતી. આ ઉપરાંત ઓરી, વિક્રાંત મેસી અને રાજકુમાર રાવ સહિત અનેક સેલિબ્રિટીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

શું છે NMACCની ‘ધ લાઇબ્રેરી’?

NMACC દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘ધ લાઇબ્રેરી’ માત્ર પુસ્તકો વાંચવાની જગ્યા નથી, પરંતુ વાંચન, વિચારવિમર્શ, ભોજન અને સામાજિક મેળાપનું એક વિશેષ સ્થળ છે. અહીં મુલાકાતીઓ પોતાની પસંદગીનાં પુસ્તકો વાંચી શકશે તેમજ નવા વિચારો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ શકશે.

આ જગ્યાનો મુખ્ય હેતુ લોકોમાં વાંચનની આદતને પ્રોત્સાહન આપવાનો અને તેમને કલા તથા સંસ્કૃતિ સાથે વધુ નજીકથી જોડવાનો છે. અહીં પુસ્તકોની દુનિયા સાથે સ્વાદિષ્ટ ભોજન અને મિત્રો-પરિવાર સાથે સમય વિતાવવાનો અનુભવ પણ મળશે.

કાવ્યપઠનથી લઈને બુક ક્લબ સુધીની વિવિધ પ્રવૃત્તિઓ

‘ધ લાઇબ્રેરી’માં મુલાકાતીઓ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં કાવ્યપઠન, વાર્તા સંભળાવવાના સત્રો, બુક ક્લબ, ક્રિએટિવ વર્કશોપ અને પરિવારો માટે ખાસ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

આ પ્રવૃત્તિઓના માધ્યમથી વાંચનપ્રેમીઓને એકબીજા સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવાની અને પોતાની સર્જનાત્મકતાને નવી દિશા આપવાની તક મળશે.

1 નવેમ્બરથી સામાન્ય લોકો માટે ખુલ્લી

બોલિવૂડ સેલિબ્રિટીઓની હાજરીમાં યોજાયેલા લોન્ચિંગ કાર્યક્રમ બાદ ‘ધ લાઇબ્રેરી’ 1 નવેમ્બરથી સામાન્ય લોકો માટે પણ ખુલ્લી મૂકવામાં આવી છે. આમ, મુંબઈમાં હવે પુસ્તકો વાંચવાની સાથે ભોજન, ચર્ચા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે એક નવું સ્થળ ઉમેરાયું છે.