ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં શુક્રવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. વૃંદાવનના પ્રખ્યાત કેસી ઘાટ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ યમુના નદીમાં પલટી જતા ઓછામાં ઓછા 10 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે અનેક લોકોને બચાવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, બોટમાં કુલ અંદાજે 30 જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા. જેમાંથી અત્યાર સુધી 10 મૃતદેહો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને 15 લોકોને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી છે. જોકે હજુ પણ 5 લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે, જેમની શોધખોળ માટે વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ દુર્ઘટનાના બે વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં દુર્ઘટના પહેલાં શ્રદ્ધાળુઓ ભગવાનના ભજન-કીર્તનમાં લીન થઈ નૌકાવિહારનો આનંદ માણતા જોવા મળે છે, જ્યારે બીજા વીડિયોમાં બોટ પલટી જતા લોકો નદીમાં જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા અને મદદ માટે બૂમો પાડતા જોવા મળે છે.
પેન્ટૂન પુલ સાથે અથડાતાં બન્યો અકસ્માત
પ્રાથમિક માહિતી મુજબ, બોટ વૃંદાવનથી માન તરફ મુસાફરોને લઈ જઈ રહી હતી. બોટમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો સવાર હતા. કેસી ઘાટ નજીક યમુના નદીમાં બનાવાયેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે બોટ જોરદાર રીતે અથડાઈ હતી. જેના કારણે બોટનું સંતુલન બગડ્યું અને તે નદીના ઊંડા પાણીમાં પલટી ગઈ.
આ દર્દનાક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયું છે. પ્રશાસન અને બચાવ ટીમો દ્વારા લાપતા લોકોની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.