આણંદ, સોમવાર : આણંદ જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત આણંદ જિલ્લાની ૦૬ નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકો માટેની મતગણતરી આવતીકાલે તા.૨૮ એપ્રિલ ૨૦૨૫, મંગળવાર ના રોજ સવારે ૯-૦૦ કલાકથી હાથ ધરવામાં આવનાર છે. આ પ્રક્રિયા માટે નિયત કરવામાં આવેલ મતગણતરી કેન્દ્રો અને સ્થળોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
મતગણતરી સ્થળો વિગતે જોઈએ તો કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧ થી ૫, વોર્ડ નં. ૬ થી ૯ અને વોર્ડ નં. ૧૦ થી ૧૩ ની મતગણતરી વલ્લભ વિદ્યાનગરની નલીની અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ ખાતે અનુક્રમે રૂમ નં. ૩૯, પ્રથમ માળ અને બીજા માળના રૂમ નં. ૨૮ પર કરવામાં આવશે.
ઉમરેઠ નગરપાલિકા માટે સિકોતર માતાના મંદિર પાસે, ઉમરેઠમાં ટાઉન હોલ ખાતે તેમજ બોરસદ નગરપાલિકાની મતગણતરી પટેલ જે.બી. રુદેલવાળા આર્ટસ, સાયન્સ અને કોમર્સ કોલેજ, બોરસદના રૂમ નં. ૧૦ માં ગ્રાઉન્ડ ફ્લોર પર, પેટલાદ નગરપાલિકા માટે ટેલીફોન એક્ષચેન્જ સામે આવેલ એન.કે. હાઇસ્કુલ, પેટલાદના સ્વામી સચ્ચિદાનંદ પ્રાર્થના હોલમાં અને સોજીત્રા નગરપાલિકા માટે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સોજીત્રા (વિજ્ઞાન પ્રવાહ) ના રૂમ નં. ૯ માં, ખંભાત નગરપાલિકાની મતગણતરી શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ (બેઠક રોડ), ખંભાત ખાતે શ્રી શ્રેયસ વ્યાયામ શાળાના પ્રથમ માળે રૂમ નં. ૧૮ માં, જ્યારે તારાપુર નગરપાલિકા માટે શ્રી એન.ટી. પટેલ કુમાર શાળા, તારાપુરના પ્રાર્થના હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.
આણંદ જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી એમ.બી. પટેલ સાયન્સ કોલેજ, આણંદ ખાતે એલ.આર. રૂમ અને રૂમ નં. ૧૨૧ માં ગ્રાઉન્ડ ફ્લોર પર થશે.
ઉમરેઠ જિલ્લા/તાલુકા પંચાયત માટે થામણાની કે.સી. પટેલ હાઇસ્કુલના છગનભાઇ મુન્દાસભાઇ પટેલ હોલમાં, બોરસદ જિલ્લા/તાલુકા પંચાયત માટે જે.ડી.આર. પટેલ કન્યા વિદ્યાલય તથા જે.ડી. પટેલ હાઇસ્કુલના વિવિધ રૂમોમાં જ્યારે આંકલાવ જિલ્લા/તાલુકા પંચાયતની મતગણતરી પ્રક્રિયા આંકલાવ હાઇસ્કુલના બિલ્ડીંગ-૧ માં ગ્રાઉન્ડ ફ્લોર પર મતગણતરી હાથ ધરાશે.
વધુમાં પેટલાદ જિલ્લા/તાલુકા પંચાયતની મતગણતરી ન્યુ એજયુકેશન હાઇસ્કુલ, પેટલાદના સાયન્સ બિલ્ડીંગમાં પ્રથમ માળે એ.ટી.એલ. લેબ અને ગ્રાઉન્ડ ફ્લોરના રૂમ નં. ૪ માં, જ્યારે સોજીત્રા જિલ્લા/તાલુકા પંચાયતની મતગણતરી એમ.એમ. હાઇસ્કુલ, સોજીત્રાના રૂમ નં. ૩ થી ૫ માં, ખંભાત જિલ્લા/તાલુકા પંચાયત માટે બેઠક રોડ પર આવેલ શ્રી એસ.ઝેડ. વાઘેલા હાઇસ્કુલ, ખંભાતના ભોંય તળીયે અને તારાપુર જિલ્લા/તાલુકા પંચાયત માટે સાર્વજનિક હાઇસ્કુલ, તારાપુર ખાતે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.