નવી દિલ્હી | 27 મે 2026, મતદાતા યાદીના વિશેષ અને ગહન પુનઃનિરીક્ષણ કાર્ય (Special Intensive Revision - SIR) મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના પક્ષમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ભારતના ચૂંટણી પંચ (ECI) પાસે SIR જેવી વિશેષ કાર્યવાહી હાથ ધરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. આ મામલે દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી બાદ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચની કાર્યવાહી કાયદાની બહાર કે ‘અલ્ટ્રા વાયર્સ’ ગણાવી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે SIR પ્રક્રિયા સામાન્ય મતદાર યાદી સુધારાની પ્રક્રિયા કરતાં અલગ હોઈ શકે છે, પરંતુ માત્ર એટલા માટે તેને ગેરકાયદેસર કહી શકાય નહીં. કાયદો ચૂંટણી પંચને ચોક્કસ કારણોસર વિશેષ સુધારા પ્રક્રિયા હાથ ધરવાની મંજૂરી આપે છે અને તે જ અધિકાર હેઠળ પંચે કાર્યવાહી કરી હોવાનું કોર્ટે માન્યું છે.
મુખ્ય ન્યાયાધીશ CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમાં ચૂંટણી પંચ પાસે આવી વિશેષ કાર્યવાહી કરવાનો અધિકાર છે કે નહીં, પ્રક્રિયાનો હેતુ યોગ્ય છે કે નહીં અને શું આ કાર્યવાહી જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ના નિયમોનું ઉલ્લંઘન કરે છે કે નહીં તે મુદ્દાઓ સામેલ હતા. કોર્ટે તમામ પાસાઓનું વિશ્લેષણ કર્યા બાદ ચૂંટણી પંચના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.
કોર્ટે વધુમાં જણાવ્યું કે લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે મતદાર યાદીની ચોકસાઈ જાળવવી જરૂરી છે અને કાયદા હેઠળ મળેલા અધિકારોનો ઉપયોગ કરીને ચૂંટણી પંચ આવી કાર્યવાહી કરી શકે છે. આ ચુકાદા બાદ દેશભરમાં મતદાર યાદી સુધારાની પ્રક્રિયાને વધુ મજબૂતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.