આણંદ, શનિવાર ::સ્થાનિક સ્વરાજ્યની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના આ પર્વમાં નાગરિકોની સહભાગીદારી વધારવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી શ્રી દ્વારા 'મતદાર જાગૃતિ અભિયાન' (SVEEP) હેઠળ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાનના ભાગરૂપે સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર શ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદના પ્રાંત અધિકારીશ્રી ડો. મયુર પરમારની વિશેષ ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના પ્રાંગણમાં દીવડા પ્રગટાવીને અનોખી રીતે મતદાન જાગૃતિનો પ્રસાર કરવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ દીવડાઓના માધ્યમથી "આણંદ કરશે મતદાન"નો સંદેશ આપી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે નાગરિકોને પ્રેરિત કર્યા હતા.
આ તકે નાગરિકોને લોકશાહીના મજબૂત પાયા માટે દરેક મત કિંમતી છે અને કોઈ પણ લાલચ કે ડર વગર નૈતિક મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે તેવી સમજણ આપવામા આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે મતદાર જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.