નવી દિલ્હી: ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલી અશાંતિની સીધી અસર હવે હવાઈ ભાડાં પર પડી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા ૧૦૦ ટકાના જંગી ઉછાળાને પગલે, એર ઈન્ડિયાએ તેના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે. એરલાઈન દ્વારા જારી કરાયેલી માહિતી મુજબ, નવા દરો ૮ એપ્રિલથી લાગુ થઈ ગયા છે. હવે મુસાફરોએ ફ્લાઈટના અંતરના આધારે ટિકિટ પર રૂ. ૨૯૯થી રૂ. ૮૯૯ સુધીનો વધારાનો સરચાર્જ ચૂકવવો પડશે.
અગાઉ માર્ચ મહિનામાં કંપનીએ તમામ રૂટ માટે રૂ. ૩૯૯નો ફ્લેટ સરચાર્જ રાખ્યો હતો. પરંતુ હવે ઈંધણના વધતા બોજને કારણે કંપનીએ આ વ્યવસ્થા બદલીને 'ડિસ્ટન્સ બેઝ્ડ ગ્રીડ' (અંતર આધારિત માળખું) અમલમાં મૂક્યું છે.
શા માટે વધ્યા ભાવ?
એર ઈન્ડિયા દ્વારા ભાવ વધારા પાછળ મુખ્ય બે કારણો આપવામાં આવ્યા છે:
૧. ક્રૂડ ઓઈલમાં ભડકો: વૈશ્વિક તણાવને કારણે ફેબ્રુઆરીના અંતમાં જેટ ફ્યુઅલનો ભાવ જે ૯૯.૪૦ ડોલર પ્રતિ બેરલ હતો, તે ૨૭ માર્ચ સુધીમાં વધીને ૧૯૫.૧૯ ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. આમ, ભાવમાં સીધો ૧૦૦ ટકાનો વધારો નોંધાયો છે.
૨. રિફાઈનરી માર્જિનમાં વધારો: ઈંધણને રિફાઈન કરવાનો ખર્ચ પણ માત્ર ત્રણ અઠવાડિયામાં ત્રણ ગણો વધી ગયો છે, જે એરલાઈન્સ માટે મોટો આર્થિક પડકાર બની ગયો છે.
સ્થાનિક ફ્લાઈટ્સ માટે નવા સરચાર્જ દરો:
હવે સ્થાનિક મુસાફરી માટે કિલોમીટરના અંતરના આધારે નીચે મુજબ વધારાનો ચાર્જ લાગશે:
- ૦થી ૫૦૦ કિમી સુધીના અંતર માટે: રૂ. ૨૯૯
- ૫૦૧થી ૧૦૦૦ કિમી સુધીના અંતર માટે: રૂ. ૩૯૯
- ૧૦૦૧થી ૧૫૦૦ કિમી સુધીના અંતર માટે: રૂ. ૫૪૯
- ૧૫૦૧થી ૨૦૦૦ કિમી સુધીના અંતર માટે: રૂ. ૭૪૯
- ૨૦૦૦ કિમીથી વધુ અંતર માટે: રૂ. ૮૯૦
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે નવો સરચાર્જ:
- વિદેશ જતી ફ્લાઈટ્સ પર પણ સરચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે, જે ડોલરમાં નીચે મુજબ છે:
- SAARC દેશો (બાંગ્લાદેશ સિવાય): ૨૪ ડોલર
- સિંગાપોર: ૬૦ ડોલર
- ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયા: ૧૦૦ ડોલર
- યુરોપ: ૨૦૫ ડોલર
- નોર્થ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા: ૨૮૦ ડોલર