મનપાને વધુ 2 જેટિંગ મશીન, ગટર સમસ્યાનું ત્વરિત નિરાકરણ
નડિયાદમાં એક પછી એક વિકાસના કામો મનપા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે બુધવારે બપોરે શહેરી વિકાસ વિભાગ દ્વારા નડિયાદ મનપા વિસ્તારમાં અંદાજીત 150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે.
નડિયાદમાં મનપા દ્વારા હાથ ધરેલાં વિકાસના કામોને વેગ આપવા માટે 8 જાન્યુઆરી બુધવારના રોજ બપોરે 3:00 કલાકે યોગી ફાર્મ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગ દ્વારા નડિયાદ મનપા વિસ્તારમાં અંદાજીત 150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને આગામી સમયમાં થનારા નવા કામોનું ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરાયું છે.
જેમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને નવા કામોનું ખાતમુહૂર્ત નાણાં અને શહેરી વિકાસ મંત્રીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત નડિયાદ મનપાને અનેક નવા વિકાસલક્ષી કામોની મંજૂરી મળશે, સાથે જ જે કામો પૂર્ણ થઈ ગયા છે તે જનતા માટે ખુલ્લા મૂકાશે. શહેરી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી આ કરોડોના ખર્ચના પ્રોજેક્ટ્સ અત્યંત મહત્વના સાબિત થશે.
આ કાર્યક્રમમાં 150 કરોડથી વધુના કામોની આ ભેટ નડિયાદના શહેરીજનો માટે સુવિધા અને વિકાસના નવા દ્વાર ખોલશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ રહી છે. તંત્ર દ્વારા આઇકોનિક રોડ અને ત્રણ તળાવોના બ્યુટિફીકેશનનું ખાતમુર્હુત કરવાની સાથે સાથે રોડ રસ્તા, ડ્રેનેજના કામોને પણ ખુલ્લા મૂકાશે. આ કાર્યક્રમમાં શહેરમાં પ્રવર્તિ રહેલી ડ્રેનેજની સમસ્યાના વધુ અસરકારક અને ઝડપી નિરાકરણ માટે ફાળવવામાં આવેલાં બે જેટિંગ મશીનનું લોકાર્પણ પણ કરવામાં આવશે.