Advertisement

મનાલીમાં કાળમુખો અકસ્માત: ભાવનગરના સિંધી પરિવારની કાર ખીણમાં ખાબકતા 5 સભ્યોના કરુણ મોત, 4નો બચાવ

મનાલીમાં કાળમુખો અકસ્માત: ભાવનગરના સિંધી પરિવારની કાર ખીણમાં ખાબકતા 5 સભ્યોના કરુણ મોત, 4નો બચાવ

હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક ગુજરાતી પરિવાર માટે વેકેશનનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે. મનાલીથી બેલા જઈ રહેલા ભાવનગરના સિંધી પરિવારની કાર બેકાબૂ થઈને ઊંડી ખીણમાં ખાબકતા હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. આ ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના 5 સભ્યોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 4 સભ્યોને ગંભીર હાલતમાં બચાવી લેવાયા છે.


વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો. ભાવનગરનો આ સિંધી પરિવાર મનાલીથી બેલા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે પહાડી રસ્તા પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર પૂરપાટ ઝડપે રસ્તો ઓળંગીને સીધી ઊંડી ખીણમાં ખાબકી હતી. કારમાં કુલ 9 લોકો સવાર હતા, જેમાંથી પ સભ્યો કાળનો કોળિયો બન્યા હતા.


મૃતકો અને ઈજાગ્રસ્તોની યાદી

અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ અથવા હોસ્પિટલ પહોંચતા પહેલા મોત થયા હતા. મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે:


લલિત ફતનાની

સોનિયાબેન

પ્રિયંક ભોપાણી

કાજલ ભોપાણી

દિવ્યાંશુ ભોપાણી


જ્યારે બચાવ કામગીરી દરમિયાન મયંક, ફોરમ, જિયાંશ અને પ્રિયાંશીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ચારેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


રેસ્ક્યુ ઓપરેશન અને સ્થાનિકોની મદદ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને પ્રશાસનની બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પહાડી અને દુર્ગમ વિસ્તાર હોવા છતાં સ્થાનિક લોકોની મદદથી ખીણમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરાયું હતું. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


ભાવનગરમાં શોકનું મોજું

આ સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા જ શહેરના સિંધી સમાજમાં અને મૃતકોના નિવાસસ્થાન આસપાસના વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. ફરવા ગયેલા હસતા-રમતા પરિવારના સામુહિક મોતના સમાચારથી સ્વજનોમાં આક્રંદ મચી ગયો છે. હાલમાં પોલીસ અકસ્માત પાછળ કારની બ્રેક ફેલ થવી કે અન્ય કોઈ ટેકનિકલ કારણ છે તે દિશામાં તપાસ કરી રહી છે.

Advertisement