Advertisement

મકરસંક્રાંતિ પહેલાં નડિયાદ પોલીસની મોટી કાર્યવાહી, બે ઝડપાયા

મકરસંક્રાંતિ પહેલાં નડિયાદ પોલીસની મોટી કાર્યવાહી, બે ઝડપાયા

નડિયાદ : નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં મકરસંક્રાંતિના તહેવારને લઈને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે. આ દરમિયાન નડિયાદ રૂરલ અને ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવેલી અલગ-અલગ કાર્યવાહીમાં બે શખ્સોને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સલુણ ગામના બળીયાદેવ ભાગોળ હોળી ચકલા વિસ્તારમાં એલ.સી.બી. પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં અંબુભાઈ શનાભાઈ તળપદા નામના ૫૩ વર્ષીય શખ્સને તેના ઘર પાસે ત્રણ પ્લાસ્ટિકની કોથળીઓ સાથે રોકવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આ કોથળીઓમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ ૭૨ રીલ મળી આવ્યા હતા. પોલીસે અંદાજે ૩૬,૦૦૦ રૂપિયાની કિંમતનો આ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

અન્ય એક કિસ્સામાં, નડિયાદ ટાઉન પોલીસે રેલ્વે સ્ટેશન રોડ પર પેટ્રોલ પંપની સામે આવેલ રેલ્વે ગોદી પાસે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે ધર્મેશભાઈ નરેશભાઈ પરમાર નામના ૨૨ વર્ષીય યુવકને અટકાવી તેની પાસે રહેલી પ્લાસ્ટિકની કોથળીની તલાશી લીધી હતી. તેમાંથી પોલીસને ચાઇનીઝ દોરીના ૬ રીલ મળી આવ્યા હતા, જેની કિંમત ૧,૮૦૦ રૂપિયા આંકવામાં આવી છે. આરોપીએ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. આ બંને મામલે પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Advertisement