Advertisement

મિડલ ઈસ્ટ યુદ્ધની સ્થિતિ વચ્ચે PM મોદીની તમામ મુખ્યમંત્રીઓ સાથે આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક

મિડલ ઈસ્ટ યુદ્ધની સ્થિતિ વચ્ચે PM મોદીની તમામ મુખ્યમંત્રીઓ સાથે આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઓઈલ અને ગેસ અંગે સંકટની સ્થિતિ ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 6.30 વાગ્યે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્ત્વપૂર્ણ બેઠક કરશે.

મિડલ ઈસ્ટના સંકટની અસર ભારત પર ન પડે તે માટે કેન્દ્ર સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હાલમાં અફવાઓના કારણે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર અફવાઓ પર ધ્યાન ન આપવા અને સંગ્રહખોરી ન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.


વડાપ્રધાન મોદીએ લોકસભા અને રાજ્યસભામાં પણ આ યુદ્ધની પરિસ્થિતિ અંગે દેશને સંબોધિત કર્યું હતું અને જણાવ્યું હતું કે યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવતા કાળા બજારિયા અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યોને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર સતત નજર રાખવા માટે પણ સૂચના આપવામાં આવશે.


સરકાર દ્વારા પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના વપરાશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી ઘરેલું ગેસનો પૂરતો પુરવઠો જળવાઈ રહે અને સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે.


બેઠક બોલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સારો તાલમેલ સુનિશ્ચિત કરવાનો છે, જેથી વૈશ્વિક સંકટની અસર સામાન્ય જનતા પર ન પડે અને જરૂરી સેવાઓ અને ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી શકાય.


નોંધનીય છે કે જ્યાં હાલમાં ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ છે તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં સામેલ થઈ શકશે નહીં. જોકે તે રાજ્યોના મુખ્ય સચિવો સાથે કેબિનેટ સચિવાલય દ્વારા અલગથી બેઠક યોજવામાં આવશે.

Advertisement