મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા તેજ ઉછાળાની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ગભરાટ ફેલાતા સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
BSE સેન્સેક્સ અગાઉના 76,863 ના બંધ સામે ઘટીને 76,369 પર ઓપન થયો અને થોડી જ મિનિટોમાં 978 પોઈન્ટ તૂટી 75,871 સુધી પહોંચી ગયો. જ્યારે NSE નિફ્ટી પણ 23,866 ના બંધ સામે ઘટીને 23,674 પર ખુલ્યો અને 23,556 સુધી લપસી ગયો.
માર્કેટ ખુલતાની સાથે જ લગભગ 1,597 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. ખાસ કરીને એવિએશન અને ઓટો સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. Zomato, M&M, Maruti, Trent, IndiGo અને ICICI Bank જેવા દિગ્ગજ શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો.
મિડકેપ સેગમેન્ટમાં Bharat Forge, APL Apollo અને Ashok Leyland જેવા શેરોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતો અને ક્રૂડ ઓઇલમાં 9% ઉછાળાને કારણે બજારમાં આ કડાકો આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.