Advertisement

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર: ભારતની દવાઓ મોંઘી થવાની ભીતિ

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર: ભારતની દવાઓ મોંઘી થવાની ભીતિ

પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે ભારત પર પણ જોવા મળી રહી છે. અમેરિકી અને ઈઝરાયલી હુમલાઓ બાદ સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેના કારણે ભારતના ફાર્મા ઉદ્યોગમાં ચિંતા વધી છે. રિપોર્ટ્સ મુજબ દવા બનાવવા માટે જરૂરી કાચા માલની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે.


ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ દવાઓના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા ‘કી સ્ટાર્ટિંગ મટિરિયલ’ (KSM) અને ‘એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ’ (API) ના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં 5% થી લઈને 100% સુધીનો વધારો થયો છે. વૈશ્વિક અસ્થિરતા અને ડોલરના વધતા ભાવને કારણે આયાત મોંઘી બની રહી છે.


યુદ્ધની સ્થિતિને કારણે મુખ્ય દરિયાઈ વેપાર માર્ગો પણ અસરગ્રસ્ત બન્યા છે. જહાજો અને કન્ટેનરો સમયસર બંદરો પર પહોંચી શકતા નથી, જેના કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ લગભગ 20 થી 25 ટકા સુધીનો વધારો થયો છે. ભારત પોતાની જરૂરિયાતના લગભગ 65 થી 70 ટકા API અને ઇન્ટરમીડિએટ્સ ચીનથી આયાત કરે છે, પરંતુ વૈશ્વિક પરિવહનમાં વિક્ષેપ આવતા સપ્લાય પર પણ અસર પડી રહી છે.


ઉદ્યોગ જગતના આગેવાનો ચેતવણી આપી રહ્યા છે કે જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો બજારમાં જીવનરક્ષક દવાઓની અછત પણ સર્જાઈ શકે છે. હાલમાં કેટલાક વેપારીઓ પાસે સ્ટોક હોવા છતાં યુદ્ધની સ્થિતિનો લાભ લઈ કિંમતો વધારાઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે. જો સ્થિતિ જલ્દી સામાન્ય નહીં બને તો સામાન્ય માણસ માટે તાવ, શરદી અને અન્ય બીમારીઓની દવાઓ ખરીદવી પણ મોંઘી પડી શકે છે.

Advertisement