Advertisement

મિડલ ઈસ્ટ તણાવનો અસર: સોનું-ચાંદીમાં મોટો કડાકો, ચાંદી ₹2000થી વધુ સસ્તી

મિડલ ઈસ્ટ તણાવનો અસર: સોનું-ચાંદીમાં મોટો કડાકો, ચાંદી ₹2000થી વધુ સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 2,000 રૂપિયાથી વધુનો કડાકો બોલાયો, જ્યારે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે.


બજાર ખુલતા જ ચાંદીના ભાવ ગગડીને પ્રતિ કિલો ₹2,75,553 પર આવી ગયા હતા. અગાઉના દિવસે ચાંદી ₹2,77,850 પર બંધ થઈ હતી. એટલે કે એક જ દિવસે પ્રતિ કિલો ₹2,000થી વધુનો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે 29 જાન્યુઆરીએ ચાંદી ₹4,20,048ની ઐતિહાસિક સપાટીએ પહોંચી હતી. તેની સરખામણીએ હાલમાં ચાંદી લગભગ ₹1,44,495 જેટલી સસ્તી મળી રહી છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે.


બીજી તરફ સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. MCX પર 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹652 ઘટીને ₹1,62,651 પર આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ ₹1,93,096ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. હાલમાં તે ઓલ ટાઈમ હાઈથી લગભગ ₹30,445 સસ્તું મળી રહ્યું છે.


આંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ અને વૈશ્વિક બજારની અનિશ્ચિતતા વચ્ચે નિષ્ણાતો રોકાણકારોને સોના-ચાંદીમાં રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.

Advertisement