મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના દીકરાની નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ…

મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના દીકરાની નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ…

મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના દીકરાની નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ… અને કેસમાં સામે આવી એવી વિગતો કે તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે.


ગુજરાત ATSએ કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલના દીકરા હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી છે. આરોપ છે કે EDના કેસમાં તેનો મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં તેણે ખોટી વિગતોના આધારે બીજો પાસપોર્ટ મેળવ્યો હતો.


ATSના જણાવ્યા પ્રમાણે, હરિકેશે દુબઈમાં રહેલા એક મિત્ર મારફતે દિલ્હીના એજન્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ 25 લાખ રૂપિયા આપીને આગ્રામાં ભાડે રહેતો હોવાનો ખોટો રેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરાયો અને જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી ફરિયાદ નોંધાવાઈ. આ દસ્તાવેજોના આધારે ગાઝિયાબાદની RPO કચેરીમાંથી વર્ષ 2024માં નવો પાસપોર્ટ મેળવવામાં આવ્યો હોવાનો આરોપ છે.


આ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને આરોપી નેપાળ અને ભૂતાન થઈને બેંગકોક, દુબઈ, સિંગાપોર સહિતના દેશોમાં ફર્યો હોવાની માહિતી ATSની તપાસમાં સામે આવી છે.


અને આ સમગ્ર કેસમાં એક રસપ્રદ કનેક્શન પણ સામે આવ્યું છે…


આઠ મહિના પહેલાં એક ઈવેન્ટમાં હરિકેશે ચાર PI સાથે ફોટો પડાવ્યો હતો. હવે એ જ ચાર PIમાંથી બે PIએ હરિકેશને ઝડપી પાડ્યો છે.


હરિકેશ વિરુદ્ધ અગાઉ પણ નારણપુરા અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીના કેસ નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. તપાસમાં તેના નામે અનેક કંપનીઓ અને કેટલાક શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ હોવાની માહિતી પણ સામે આવી છે.


ATSને એવી પણ શંકા છે કે આરોપી ફરીથી નાણાકીય છેતરપિંડીની તૈયારીમાં હતો. સમગ્ર મામલે EDને પણ જાણ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.


હવે વાત કરીએ ગીતાબેન પટેલની…


ગીતાબેન પટેલને ફેબ્રુઆરી 2025માં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેઓ અગાઉ કાર્યકારી અધ્યક્ષ રહી ચૂક્યા છે અને કોંગ્રેસના સદસ્યતા અભિયાનના પ્રભારી પણ રહ્યા છે. અમદાવાદની ઠક્કરબાપાનગર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.


હવે દીકરાની નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ બાદ આ સમગ્ર મામલો રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.