ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. શુક્રવારે ભોપાલના નાથુ બરખેડા સ્થિત ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતે મલેશિયાને 6-2થી હરાવ્યું હતું. હવે ખિતાબી મુકાબલામાં શનિવારે ભારતીય ટીમનો સામનો ચીન સામે થશે.
ચીને બીજી સેમિફાઇનલમાં જાપાનને 1-0થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યારે ત્રીજા સ્થાન માટે મલેશિયા અને જાપાન વચ્ચે મુકાબલો રમાશે.
મલેશિયા સામે ભારતનો એકતરફી દબદબો
સેમિફાઇનલમાં ભારતીય ખેલાડીઓએ શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી. પ્રથમ ક્વાર્ટરમાં ભારતે 1-0ની સરસાઈ મેળવી હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં વધુ ત્રણ ગોલ કરીને સ્કોર 4-1 કર્યો હતો.
ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં પણ ભારતે એક-એક ગોલ કરીને 6-2થી શાનદાર જીત નોંધાવી હતી.
ભારત તરફથી દીપિકાએ બે ગોલ કર્યા હતા. જ્યારે મુમતાઝ ખાન, નવનીત કૌર, સુનેલિતા ટોપ્પો અને ઈશિકાએ એક-એક ગોલ કર્યો હતો. બીજી તરફ મલેશિયા તરફથી નૂર અઝર અને નૂર અમીરાહ ઝુલ્કિફલીએ એક-એક ગોલ કર્યો હતો.
ચીને છેલ્લી મિનિટે જાપાનને હરાવ્યું
બીજી સેમિફાઇનલમાં ચીન અને જાપાન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મેચના મોટાભાગના સમય સુધી બંને ટીમો એકપણ ગોલ કરી શકી નહોતી. જોકે, મેચની 59મી મિનિટે ઝાંગ હેયાંગે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ચીનને 1-0થી જીત અપાવી હતી.
આ જીત સાથે ચીને પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને હવે ભારત-ચીન વચ્ચે ટાઇટલ માટે મુકાબલો થશે.
કોરિયાએ થાઈલેન્ડને હરાવી પાંચમું સ્થાન મેળવ્યું
ટુર્નામેન્ટમાં પાંચમા અને છઠ્ઠા સ્થાન માટે રમાયેલી મેચમાં દક્ષિણ કોરિયાએ થાઈલેન્ડને 4-1થી હરાવ્યું હતું.
કોરિયા તરફથી પાર્ક મિહયાંગે બે ગોલ કર્યા હતા. જ્યારે પાર્ક સેઉંગએ અને જૂ સોયોને એક-એક ગોલ કર્યો હતો. થાઈલેન્ડ તરફથી ઇનપા કુન્જિરાએ પેનલ્ટી સ્ટ્રોક પર એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો.
ભારત પાસે ચોથી વખત ચેમ્પિયન બનવાની તક
ભારતીય મહિલા હોકી ટીમનો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર ઇતિહાસ રહ્યો છે. ભારતે વર્ષ 2016માં પ્રથમ વખત આ ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ 2023 અને 2024માં સતત બે વખત ચેમ્પિયન બન્યું હતું.
અત્યાર સુધી ભારત અને દક્ષિણ કોરિયા બંનેએ ત્રણ-ત્રણ વખત આ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે.
હવે 2026ની ફાઇનલમાં ચીનને હરાવીને ભારત પાસે ચોથી વખત ચેમ્પિયન બનવાની તક છે. જો ટીમ ઈન્ડિયા આ મુકાબલો જીતી જાય છે, તો તે ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ બની જશે. આ ઉપરાંત સતત ત્રીજી વખત ખિતાબ જીતનારી પ્રથમ ટીમ બનવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે.