મહેસાણામાં ભારે વરસાદ વચ્ચે હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શહેરના પટ્ટાવાળાની ચાલી વિસ્તાર પાસે આવેલી કબ્રસ્તાનની વર્ષો જૂની જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી 6 વર્ષના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે.
મળતી માહિતી મુજબ, વરસાદ દરમિયાન બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી. દીવાલનો મોટો ભાગ સીધો જ બાળક પર પડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક કાટમાળ હટાવી બાળકને બહાર કાઢ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. જોકે, આસપાસ રમી રહેલા અન્ય બાળકોનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે દીવાલ લાંબા સમયથી જોખમી હાલતમાં હતી અને અનેક વખત રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. સ્થાનિકોના મતે તંત્રની બેદરકારીના કારણે આજે એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે.