મહેસાણામાં પાટીદાર મહાસંમેલનમાં રાજકીય દિગ્ગજોની હાજરી, નીતિન પટેલને લઈને પરેશ ધાનાણીની ટકોર; ગોપાલ ઇટાલિયાએ સમાજને કરી મોટી અપીલ

મહેસાણામાં પાટીદાર મહાસંમેલનમાં રાજકીય દિગ્ગજોની હાજરી, નીતિન પટેલને લઈને પરેશ ધાનાણીની ટકોર; ગોપાલ ઇટાલિયાએ સમાજને કરી મોટી અપીલ

મહેસાણા નજીક નુગર સ્થિત ચૌરાસી વિદ્યા સંકુલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે સરદાર પટેલ ગ્રુપ (SPG) દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી પાટીદાર સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હાજરીએ રાજકીય ચર્ચા જગાવી હતી. કાર્યક્રમ દરમિયાન પરેશ ધાનાણી અને ગોપાલ ઇટાલિયાના સંબોધનને મળેલી તાળીઓનો ઉલ્લેખ કરીને નીતિન પટેલે પણ હળવી ટકોર કરી હતી.

નીતિન પટેલની ટકોર પર પરેશ ધાનાણીનો રમૂજી જવાબ

કાર્યક્રમ દરમિયાન સંબોધન સમયે પરેશ ધાનાણી અને ગોપાલ ઇટાલિયાને વધુ તાળીઓ મળતાં નીતિન પટેલે હળવા અંદાજમાં કહ્યું હતું કે, મારા કરતાં આ બંને માટે વધુ તાળીઓ પડી છે, બોલો હવે મારે શું કરવું?

તેના જવાબમાં પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, 'નીતિન કાકા કરમાઈ ગયા છે અને અમે બધા નવરા થઈ ગયા છીએ.' આ ટિપ્પણીથી કાર્યક્રમમાં હળવું વાતાવરણ સર્જાયું હતું. ધાનાણીએ સ્પષ્ટ કર્યું હતું કે આ રાજકીય મંચ નહીં, પરંતુ સમાજનું મંચ છે અને તેઓ પોતાના સમાજના દીકરા તરીકે અહીં આવ્યા છે.

ગોપાલ ઇટાલિયાની સમાજને અપીલ, રાજકારણમાં યુવાનો માટે સંસ્થા બનાવવાની જરૂર

સંમેલનને સંબોધતા AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પાટીદાર સમાજમાં વિવિધ ક્ષેત્રો માટે કાર્યરત સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સમાજમાં યુવાનોને લગ્ન કરાવવા, IAS બનાવવા, શિક્ષણ આપવા અને આરોગ્યની સુવિધા માટે સંસ્થાઓ છે, પરંતુ કોઈ યુવાનને રાજકારણમાં આગળ વધવું હોય અને ધારાસભ્ય બનવું હોય તો તેના માટે કોઈ વ્યવસ્થા કે સંસ્થા નથી.

તેમણે સમાજમાં નેતૃત્વના ગુણ ધરાવતા યુવાનોને રાજકારણમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. સમાજની સંસ્થાઓએ આવા યુવાનોને તેઓ જે રાજકીય પક્ષમાં જોડાવા ઇચ્છે તેમાં આગળ વધવા માટે ખુલ્લું સમર્થન આપવું જોઈએ તેવી અપીલ કરી હતી.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલમાં નેતૃત્વના ગુણ હતા. તેઓ રાજકારણમાં આગળ વધ્યા અને દેશ તથા સમાજ માટે મોટું યોગદાન આપી શક્યા. તેથી સમાજમાં નેતૃત્વની ક્ષમતા ધરાવતા યુવાનોને રાજકારણમાં આગળ આવવાની તક મળવી જોઈએ.

પરેશ ધાનાણીએ સરદાર પટેલના વ્યક્તિત્વ અને શિસ્તને યાદ કર્યા

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ પોતાના સંબોધનમાં સરદાર પટેલના વ્યક્તિત્વને યાદ કરતાં કહ્યું હતું કે સરદાર સાદગી, સ્વાવલંબન, શિસ્ત અને શ્રમના પ્રતીક હતા.

તેમણે નીતિન પટેલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વિધાનસભામાં વિરોધ પક્ષના સભ્ય તરીકે નીતિન પટેલ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેમણે નીતિન પટેલને પોતાના ગુરુ સમાન ગણાવ્યા હતા. સાથે જ સમાજમાં એવી પેઢી તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે પોતાના હક અને સમાજના પ્રશ્નો માટે મજબૂતીથી લડી શકે.

પાટીદાર આંદોલન અને કેશુભાઈ પટેલની સલાહને યાદ કરી

ધાનાણીએ પોતાના રાજકીય જીવન અને પાટીદાર આંદોલનના સમયને પણ યાદ કર્યો હતો. તેમણે મહેસાણાને આંદોલનની ભૂમિ ગણાવીને 'જય સરદાર, જય પાટીદાર'ના નારા સાથે સમાજની એકતાનું મહત્વ સમજાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, વિધાનસભામાં પહેલીવાર ચૂંટાઈને આવ્યા ત્યારે તેમના સંબોધનની ભાષા આકરી રહેતી હતી. તે સમયે સાંજે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ફોન આવતો અને તેઓ કહેતા કે, 'દીકરા, તું બોલ્યો બહુ સારું, પરંતુ આ શબ્દની જગ્યાએ બીજા શબ્દનો ઉપયોગ કર્યો હોત તો વધુ સારું થાત.'

આ પ્રસંગ યાદ કરીને ધાનાણીએ જાહેર જીવનમાં બોલતી વખતે શબ્દોની પસંદગી અને જવાબદારીનું મહત્વ સમજાવ્યું હતું.

સરદાર પટેલના નામ અને વારસાનું ગૌરવ જાળવવા ધાનાણીની ટકોર

પોતાના સંબોધનના અંતિમ ભાગમાં પરેશ ધાનાણીએ સરદાર પટેલના નામ અને વારસાને લઈને સમાજને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સરદાર પટેલ સમગ્ર સમાજના સ્વાભિમાનનું પ્રતીક છે. તેમના નામ અને વારસાનું ગૌરવ જાળવવાની જવાબદારી સૌની છે.

તેમણે ટકોર કરતાં કહ્યું કે સરદારના નામ પર ડસ્ટર ફેરવવાનું કે તેમનું નામ ભૂંસવાનો પ્રયાસ થાય ત્યારે સમાજે સજાગ રહેવું જોઈએ. સાથે જ તેમણે લોકોને પોતાના માતા-પિતા અને પૂર્વજોના સંઘર્ષ તથા પરિશ્રમને યાદ રાખવા અપીલ કરી હતી.

ધાનાણીએ જણાવ્યું હતું કે ઘરના દરવાજે માતા-પિતાનાં નામ લખવા પાછળ તેમની મહેનત અને પૂર્વજોના યોગદાનની યાદ જોડાયેલી છે. તેથી સમાજે પોતાના મૂળ, સંસ્કાર અને વારસાને ક્યારેય ભૂલવા ન જોઈએ.

રાજકીય નેતાઓની હાજરીથી સંમેલન ચર્ચામાં

સરદાર પટેલ ગ્રુપ દ્વારા આયોજિત આ મહાસંમેલનમાં અલગ-અલગ રાજકીય પક્ષોના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ યુવાનોને રાજકારણમાં આગળ લાવવા માટે સંસ્થાકીય વ્યવસ્થાની જરૂરિયાત રજૂ કરી હતી, જ્યારે પરેશ ધાનાણીએ સરદાર પટેલના વારસા, સમાજની એકતા અને રાજકીય જવાબદારી અંગે વાત કરી હતી. બીજી તરફ નીતિન પટેલ સાથેની હળવી ટકોર પણ કાર્યક્રમનું ચર્ચાસ્પદ આકર્ષણ બની હતી.