મહેસાણામાં ‘મિર્ઝાપુર’ જેવી ગેંગવોર! ફોર્ચ્યુનર પર ટક્કર બાદ ફાયરિંગ

મહેસાણામાં ‘મિર્ઝાપુર’ જેવી ગેંગવોર! ફોર્ચ્યુનર પર ટક્કર બાદ ફાયરિંગ

મહેસાણામાં ‘મિર્ઝાપુર’ જેવી ગેંગવોર! ફોર્ચ્યુનર પર ટક્કર બાદ ફાયરિંગ

મહેસાણામાં ગઈકાલે એટલે કે 30 ઓગસ્ટની રાત્રે ગેંગવોર જેવી ઘટના સામે આવી છે. હાઈવે પર જાણે કોઈ ફિલ્મી સીન ચાલતો હોય તેમ સ્કોર્પિયોમાં આવેલા શખસોએ ફોર્ચ્યુનરને એક-બે નહીં, પરંતુ ત્રણ વખત ટક્કર મારી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું.

આ હુમલામાં મસ્તાની ગેંગ સાથે સંકળાયેલા હોવાનું કહેવાતા ભાવેશ ઝીલિયાને ઈજા પહોંચી હતી.

મળતી માહિતી પ્રમાણે, રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ ભાવેશ ઝીલિયા પોતાના મિત્રો સાથે ફોર્ચ્યુનરમાં મહેસાણાના હાઈવે પર હતો. ત્યારે નંબર પ્લેટ વગરની સફેદ સ્કોર્પિયોમાં આવેલા શખસોએ તેની કારને જોરદાર ટક્કર મારી.

હુમલાખોરોએ સ્કોર્પિયો રિવર્સ લઈ બેથી ત્રણ વખત ફોર્ચ્યુનરને ટક્કર મારી અને ત્યારબાદ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં ભાવેશ ઝીલિયાના ડાબા હાથના પંજાના ભાગે ઈજા થઈ હતી.

હુમલા બાદ સ્કોર્પિયો સવાર શખસો નાગલપુર તરફ ફરાર થઈ ગયા. ઈજાગ્રસ્ત ભાવેશ અને તેના મિત્રો પોલીસ રક્ષણ મેળવવા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સમગ્ર ઘટનાની ફરિયાદ કરી.

પરંતુ અહીંથી જ કેસમાં નવો વળાંક આવ્યો.

પોલીસે શંકાના આધારે ફોર્ચ્યુનરની તપાસ કરતા કારમાંથી લોડેડ રિવોલ્વર, 6 જીવતા કારતૂસ અને 16 ઈંચની ધારદાર બ્લેડ ધરાવતો છરો મળી આવ્યો.

પૂછપરછમાં ભાવેશ ઝીલિયાએ આ રિવોલ્વર ચાર મહિના પહેલા ગાંધીધામના એક શખસ પાસેથી 40 હજાર રૂપિયામાં ખરીદી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસે રિવોલ્વર, કારતૂસ, છરો, ફોર્ચ્યુનર અને ત્રણ મોબાઈલ સહિત કુલ 11.20 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

FSLની પ્રાથમિક તપાસમાં એક રાઉન્ડ ફાયરિંગ અને 12 બોરનું એક કારતૂસ મિસફાયર થયું હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે ભાવેશ સહિત ત્રણ શખસો અને હથિયાર વેચનાર સામે આર્મ્સ એક્ટ તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તો હવે સૌથી મોટો સવાલ એ છે કે—આ ફાયરિંગ પાછળનું કારણ શું છે? બે ગેંગ વચ્ચેની દુશ્મની, જૂનું મનદુઃખ કે પછી કોઈ નવી રંજિશ?

પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે, પરંતુ તેમની ધરપકડ બાદ જ ફાયરિંગ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.