એશિયાના સૌથી મોટા ગણેશાકાર મંદિર તરીકે ખ્યાતિ પામેલા સિદ્ધિ વિનાયક દેવસ્થાન, દેવનગરી-મહેમદાવાદ ખાતે આગામી 08 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ગણનાથ મહારાજની અસીમ કૃપાથી આ દિવસે મંદિરના 108 ફૂટ ઊંચા ધજાદંડ પર વિધિવત રીતે ધજાઆરોહણ કરવામાં આવશે. આ પ્રસંગે સવારે 10:30 વાગ્યે ધજા પૂજન અને ત્યારબાદ 11:00 વાગ્યે ધજા ચઢાવવાનો મંગલ વિધિ સંપન્ન થશે.
સંતો અને રાજવીઓની પ્રેરક ઉપસ્થિતિ
આ પવિત્ર અવસરે અનેક મહાનુભાવો અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. જેમાં ખાસ કરીને મહામંડલેશ્વર 108 લલિતકિશોરશરણજી મહારાજ, મહંત વિશ્વેશ્વરજી મહારાજ અને દયામૂર્તિ ગુરુ મા સહિતના સંતોની ગરિમામય હાજરી રહેશે. આ ઉપરાંત, મુખ્ય મહેમાન તરીકે છોટા ઉદેપુર સ્ટેટના જયપ્રતાપસિંહજી ચૌહાણ, ચોટીલા સ્ટેટના મહાવીરસિંહજી ખાંગર, યશવંતસિંહજી ડાભી, મહાવીરસિંહજી મહીડા અને બ્રિજેશસિંહજી ચૌહાણ જેવા રાજવી મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
ભક્તોને હાર્દિક આમંત્રણ
સિદ્ધિ વિનાયક દેવસ્થાન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા તમામ ભક્તજનોને આ દિવ્ય મહોત્સવમાં સહભાગી થવા અને દર્શન-પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાષ્ટ્રપ્રેમ અને શ્રદ્ધાના સંગમ સમાન આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સકારાત્મકતાનો સંદેશ ફેલાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.