મહેમદાવાદ: ખેડા જિલ્લાના મહેમદાવાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ મુખ્ય માર્કેટયાર્ડમાં ગત મોડી રાત્રે તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. અજાણ્યા તસ્કરોએ માર્કેટયાર્ડને નિશાન બનાવી એકસાથે અંદાજિત 7 થી 8 જેટલી અનાજ-કરિયાણાની દુકાનોના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ સામૂહિક ચોરીની ઘટનાને પગલે સમગ્ર પંથકના વેપારી આલમમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, આજે વહેલી સવારે જ્યારે વેપારીઓ પોતાની દુકાનોએ પહોંચ્યા ત્યારે શટરના તાળા તૂટેલા જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. તસ્કરોએ દુકાનોમાં અંદર પ્રવેશ કરી રોકડ રકમ તેમજ કિંમતી મુદ્દામાલ પર હાથફેરો કર્યો હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ મહેમદાવાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે માર્કેટયાર્ડમાં પ્રાથમિક તપાસ હાથ ધરીને પંચનામું કરવાની તજવીજ શરૂ કરી છે. આ ચોરીમાં કુલ કેટલી રોકડ રકમ કે મુદ્દામાલની ચોરી થઈ છે તેની સચોટ વિગતો પોલીસ તપાસ અને વેપારીઓના સ્ટોક મિલાન બાદ જ સ્પષ્ટ થશે.
હાલમાં પોલીસે ગુનો નોંધીને તસ્કરોનું પગેરું મેળવવા માટે માર્કેટયાર્ડ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી તેજ કરી છે. સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલીંગના અભાવે તસ્કરો બેફામ બન્યા છે. મહેમદાવાદ પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.