મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. મુંબઈ, પાલઘર, રાયગઢ, પુણે અને નાસિક સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
મુંબઈના ગોરાઈ-મનોરી બીચ નજીક સમુદ્રમાં એક વિદેશી જહાજ ફસાઈ જતાં કોસ્ટ ગાર્ડ, નૌસેના અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જહાજ ત્યાં કેવી રીતે પહોંચ્યું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ભારે વરસાદની અસર હવાઈ અને રેલવે સેવાઓ પર પણ પડી છે. મુંબઈ એરપોર્ટ પરથી 17 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે 365થી વધુ ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. બીજી તરફ અનેક સ્થળોએ રેલવે ટ્રેક પર પાણી ભરાવા અને અવરોધોને કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
પાલઘર, વસઈ-વિરાર અને લોનાવાલા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે. પ્રશાસને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.