મહાબલેશ્વર, મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબલેશ્વર નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. કોંકણથી પરત ફરી રહેલા પ્રવાસીઓની સ્કોર્પિયો કાર રાયગઢ જિલ્લાના આંબેનલી ઘાટ વિસ્તારમાં અનિયંત્રિત બની આશરે 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં સતારાના 8 યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માત રવિવાર અને સોમવારની મધ્યરાત્રિ દરમિયાન વહેલી સવારે આશરે 2:45 વાગ્યે થયો હતો. મૃતકો સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના આસગાંવ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તમામ યુવકો કોંકણના હરણાઈ બીચ પરથી ફરીને પોલાદપુર માર્ગ થઈ સતારા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આંબેનલી ઘાટ વિસ્તારમાં ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિયો સીધી ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં જ પોલાદપુર પોલીસ, મહાબલેશ્વર ટ્રેકર્સ, પ્રતાપગઢ રેસ્ક્યુ ટીમ, સિસ્કેપ મહાડ-પોલાદપુર, આપદા મિત્ર અને સ્થાનિક લોકોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખીણ અત્યંત ઊંડી અને જોખમી હોવાના કારણે શરૂઆતમાં બચાવ દળે દૂરબીનની મદદથી મૃતદેહોની શોધખોળ હાથ ધરી હતી. ભારે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે રેસ્ક્યુ ટીમે આશરે 500થી 700 ફૂટ ઊંડાઈમાંથી બે મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મેળવી છે, જ્યારે અન્ય મૃતદેહો અને અકસ્માતગ્રસ્ત વાહનને બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ અકસ્માતથી વર્ષ 2018માં આ જ વિસ્તારમાં બનેલી દાપોલી કૃષિ યુનિવર્સિટીની બસ દુર્ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ અંધારું અને ઘાટ વિસ્તારનો જોખમી માર્ગ અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.