મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે નવી પેટા વિભાગીય કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે આ કચેરી કાર્યરત થઈ છે, જેનાથી આસપાસના 20 ગામોના આશરે 25 હજાર લોકોને વીજ સંબંધિત સેવાઓનો લાભ મળશે.
આ કચેરી કાર્યરત થવાથી વીજ બિલની ફરિયાદો, નવા વીજ કનેક્શનની અરજીઓ અને લાઈન રિપેરિંગ જેવા કાર્યોનો ઝડપી નિકાલ થશે. સ્થાનિક ગ્રાહકો ધર્મજ ખાતે જ તેમના વીજ બિલ ભરી શકશે, જેનાથી તેમને સમય અને શ્રમની બચત થશે.
મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ધર્મજ ખાતેની MGVCL પેટા વિભાગીય કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર સહિત કુલ 50 કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કચેરીથી પેટલાદ ગ્રામ્ય વિસ્તારના 14 ગામો, સોજીત્રા તાલુકાનું 1 ગામ અને તારાપુર તાલુકાના 5 ગામો સહિત કુલ 20 ગામોના લોકોને સીધો ફાયદો થશે.
અગાઉ આ 20 ગામના 25 હજાર જેટલા વીજ ગ્રાહકોને વીજ સંબંધિત કામકાજ માટે પેટલાદ જવું પડતું હતું. જોકે, હવે ધર્મજ ખાતે જ તમામ વીજ સેવાઓ ઉપલબ્ધ બનશે, જેનાથી ગ્રાહકોને ઘણી રાહત મળશે. આ પ્રસંગે રાજ્ય નાણાં મંત્રી કમલેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ સહિત અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.