સુરેન્દ્રનગરના મેથાણમાંથી સામે આવેલા આ બેન્ક કૌભાંડે સૌને ચોંકાવી દીધા છે.
આરોપ છે કે તત્કાલીન બેન્ક મેનેજરે 68 નિર્દોષ ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલીને કરોડો રૂપિયાની લોન ઉપાડી લીધી.
મળતી માહિતી પ્રમાણે, પશુ લોન અને શિયાળુ પાકની લોનના નામે આ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ ખાતાઓ મારફતે 1.75 કરોડ રૂપિયાથી વધુની લોનની રકમ ઉપાડવામાં આવી હોવાનો આક્ષેપ છે.
આ સમગ્ર કૌભાંડમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે દુદાપર ગામની એક મહિલાનું મૃત્યુ થઈ ચૂક્યું હોવા છતાં, તેને કાગળ પર જીવતી બતાવી તેના નામે પણ લોન લેવામાં આવી હતી.
આરોપ મુજબ, લોનની રકમ ગ્રાહકો સુધી પહોંચાડવાને બદલે બેન્ક મેનેજરે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.
કૌભાંડની જાણ થતાં જ ધ્રાંગધ્રા પોલીસે તપાસ શરૂ કરી અને આ મામલે તત્કાલીન બેન્ક મેનેજર નિખિલ પ્રજાપતિની ધરપકડ કરી છે.
જોકે, તપાસમાં એક મહત્વની વાત પણ સામે આવી છે.
મેનેજરે આશરે 2 કરોડ રૂપિયા બેન્કમાં જમા કરાવી દીધા હોવાની માહિતી છે.
હવે પોલીસ તપાસમાં એ સવાલ મહત્વનો છે કે—
68 લોકોના નામે બોગસ ખાતા કેવી રીતે ખોલાયા?
મૃત વ્યક્તિના નામે લોન કેવી રીતે મંજૂર થઈ?
અને કરોડો રૂપિયાની આ ગેરરીતિમાં બેન્કના અન્ય કોઈ કર્મચારીની સંડોવણી હતી કે નહીં?