મેનોપોઝ શું છે? મહિલાઓના શરીરમાં ક્યારે અને કયા ફેરફાર થાય છે?
મહિલાઓના જીવનમાં એક એવો તબક્કો આવે છે, જ્યારે માસિક ધર્મ કાયમી રીતે બંધ થઈ જાય છે. આ કુદરતી પ્રક્રિયાને મેનોપોઝ (Menopause) કહેવામાં આવે છે.
સામાન્ય રીતે મેનોપોઝ 45થી 55 વર્ષની ઉંમર વચ્ચે જોવા મળે છે. જોકે દરેક મહિલામાં તેનો સમય અલગ હોઈ શકે છે. જ્યારે સતત 12 મહિના સુધી પિરિયડ ન આવે, ત્યારે મેનોપોઝ થયાનું માનવામાં આવે છે.
મેનોપોઝ અચાનક આવતો નથી. તેની પહેલાં પેરીમેનોપોઝ નામનો તબક્કો આવે છે. આ દરમિયાન હોર્મોનમાં ફેરફાર થવાને કારણે પિરિયડ અનિયમિત થઈ શકે છે અને વિવિધ શારીરિક તથા માનસિક લક્ષણો જોવા મળી શકે છે.
મેનોપોઝના સામાન્ય લક્ષણો કયા?
મેનોપોઝ દરમિયાન મહિલાઓને અચાનક શરીરમાં ગરમી લાગવી, રાત્રે વધુ પરસેવો થવો, ઊંઘમાં તકલીફ, મૂડમાં ફેરફાર, ચીડિયાપણું, થાક અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી જેવા લક્ષણો થઈ શકે છે.
કેટલીક મહિલાઓમાં યોનિમાં શુષ્કતા, જાતીય સંબંધ દરમિયાન અસ્વસ્થતા અને પેશાબ સંબંધિત તકલીફો પણ જોવા મળી શકે છે.
મેનોપોઝ દરમિયાન શરીરમાં ઈસ્ટ્રોજનનું સ્તર ઘટે છે. તેના કારણે લાંબા ગાળે હાડકાંની મજબૂતી અને હૃદયના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે.
શું મેનોપોઝ કોઈ બીમારી છે?
ના. મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ મહિલાના જીવનનો કુદરતી તબક્કો છે. જોકે લક્ષણો ખૂબ વધારે હોય અથવા રોજિંદા જીવનને અસર કરતા હોય તો ડૉક્ટરની સલાહથી યોગ્ય સારવાર અને જીવનશૈલીમાં ફેરફાર કરી શકાય છે.
એક મહત્વની બાબત એ છે કે મેનોપોઝ પછી કોઈપણ પ્રકારનું યોનિમાર્ગે રક્તસ્ત્રાવ થાય તો તેને સામાન્ય માનીને અવગણવું નહીં અને ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો.
મેનોપોઝ વિશેની યોગ્ય માહિતી અને સમયસર તબીબી સલાહ મહિલાઓને આ પરિવર્તનને વધુ સારી રીતે સમજવામાં અને સ્વસ્થ રીતે પસાર કરવામાં મદદ કરી શકે છે.