Advertisement

મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત: મુખ્યમંત્રીના કાર્યક્રમથી પરત ફરતી બસ ટ્રક સાથે અથડાઈ, 10ના મોત

મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત: મુખ્યમંત્રીના કાર્યક્રમથી પરત ફરતી બસ ટ્રક સાથે અથડાઈ, 10ના મોત

છિંદવાડા: મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં ગુરુવારે સાંજે એક દુખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. મોહખેડ પોલીસ સ્ટેશન હેઠળ આવતા સેમરિયા હનુમાન મંદિર પાસે બસ અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.


મળતી માહિતી મુજબ બસમાં સવાર લોકો મુખ્યમંત્રી ડો. મોહન યાદવના ‘હિતગ્રાહી સંમેલન’માં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારે ઉમરાનાળા વિસ્તારમાં સાંજે લગભગ 6:30 વાગ્યે ટ્રક સાથે બસની સામસામે ટક્કર થઈ હતી.


ટક્કર એટલી જોરદાર કે બસ પલટી ગઈ


પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ટક્કર એટલી ભયંકર હતી કે બસ અનિયંત્રિત થઈને રસ્તા પર પલટી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં સવાર મુસાફરોમાં ચીસોચીસ મચી ગઈ હતી. ઘણા મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા હતા.


કેટલાક મુસાફરોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે એક મુસાફરનો હાથ કપાઈ જવાની ઘટના પણ સામે આવી છે.


બચાવ કામગીરી શરૂ, 20થી વધુ એમ્બ્યુલન્સ પહોંચી

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવદળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 20થી વધુ એમ્બ્યુલન્સ તાત્કાલિક મોકલવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ક્રેન અને સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી હતી.


અકસાનને કારણે રસ્તા પર 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને દૂર કરવા માટે પોલીસ પ્રશાસન તાત્કાલિક કામે લાગી ગયું હતું.


મૃતકોમાં મહિલાઓ અને બાળકનો પણ સમાવેશ

છિંદવાડા જિલ્લાના SP ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિની માહિતી મેળવી હતી. તેમના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં 6 પુરુષ, 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે.


41 મુસાફરો બસમાં સવાર હતા

બસમાં કુલ 41 મુસાફરો સવાર હતા. તમામ લોકો છિંદવાડામાં આયોજિત હિતગ્રાહી સંમેલનમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


જિલ્લા હોસ્પિટલમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ડોક્ટરોની મોટી ટીમ ઈજાગ્રસ્તોની સારવારમાં લાગી ગઈ છે.

Advertisement