નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં વધી રહેલા યુદ્ધના તણાવ અને હોર્મુઝની ખાડીની નાકાબંધીના કારણે સર્જાયેલી વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતમાં લોકડાઉનને લઈને ફેલાયેલી આશંકાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી છે. શુક્રવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બે કલાકની લાંબી વર્ચ્યુઅલ બેઠકમાં પીએમ મોદીએ દેશવાસીઓને આશ્વસ્ત કર્યા છે કે કોરોનાકાળ જેવી લોકડાઉનની સ્થિતિ સર્જાશે નહીં.
ટીમ ઈન્ડિયા તરીકે કામ કરવાનો અનુરોધ
બેઠક દરમિયાન વડાપ્રધાને જણાવ્યું હતું કે, મધ્ય-પૂર્વનું સંકટ લાંબુ ચાલી શકે છે, પરંતુ તેનાથી દેશની અર્થવ્યવસ્થા કે સામાન્ય જનજીવન પ્રભાવિત ન થાય તે જોવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની સંયુક્ત છે. તેમણે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય અવિરત રાખવા માટે રાજ્યોને સક્રિય રહેવા જણાવ્યું હતું. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, જમીની સ્તર પર કામગીરી સફળ બનાવવાની જવાબદારી રાજ્યોની છે અને આ સમયે 'ટીમ ઈન્ડિયા' તરીકે સાથે મળીને કામ કરવું અનિવાર્ય છે.
રાજનાથ સિંહના નેતૃત્વમાં ખાસ કમિટીની રચના
વર્તમાન વૈશ્વિક કટોકટી પર ૨૪ કલાક નજર રાખવા માટે કેન્દ્ર સરકારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય 'મંત્રીઓના જૂથ' (Group of Ministers) ની રચના કરી છે. આ જૂથમાં ગૃહમંત્રી અમિત શાહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી યુદ્ધની ભારત પર પડનારી અસરો અને પુરવઠા સાંકળ (Supply Chain) ની સમીક્ષા કરશે.
ઉદ્યોગો માટે રાહતના સમાચાર
દરમિયાન, એલપીજી સિલિન્ડરના સપ્લાયમાં પણ આંશિક સુધારો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે કમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય વધારીને યુદ્ધ પૂર્વેની સ્થિતિના ૭૦ ટકા જેટલો કરી દીધો છે. આ નિર્ણયથી હોટેલ, રેસ્ટોરાં અને નાના ઉદ્યોગોને મોટી રાહત મળશે.