Advertisement

મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે વડાપ્રધાનની અપીલ: દેશમાં ઈંધણ બચાવવા માટે જાગૃતિ અભિયાન તેજ

મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે વડાપ્રધાનની અપીલ: દેશમાં ઈંધણ બચાવવા માટે જાગૃતિ અભિયાન તેજ

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવને પગલે વૈશ્વિક સ્તરે ઈંધણના પુરવઠા પર અસર પડવાની આશંકા સેવાઈ રહી છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવા માટે નાગરિકો અને તંત્રને ખાસ અપીલ કરી છે. પીએમની આ હાકલને પગલે ભાજપ શાસિત રાજ્યોમાં તત્કાલ અસરથી અમલવારી શરૂ કરી દેવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત આર્થિક કે ઊર્જા સંકટ સામે દેશને સજ્જ રાખવાનો છે.


આ અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વહીવટી સ્તરે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીઓના કાફલામાં વાહનોની સંખ્યામાં ૫૦ ટકાનો સીધો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે, સાથે જ સરકારી બેઠકો ઓનલાઇન યોજવા અને અઠવાડિયામાં બે દિવસ 'વર્ક ફ્રોમ હોમ' જેવી પદ્ધતિઓને પ્રોત્સાહન આપ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ પોતાના કાફલામાંથી વધારાના વાહનો દૂર કરી અધિકારીઓને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા સૂચના આપી છે.


મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં પણ સાદગી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પોતાના કાફલાની ગાડીઓની સંખ્યા ૧૩ થી ઘટાડીને ૮ કરી દીધી છે, જ્યારે દિલ્હીમાં પણ મંત્રીઓ અને ધારાસભ્યો માટે કારપૂલિંગ અને મેટ્રો-બસના ઉપયોગના કડક નિર્દેશો આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આ પહેલનું નેતૃત્વ કરતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો નિર્ધારિત વિદેશ પ્રવાસ રદ કરીને સરકારી ખર્ચ અને ઈંધણ બચાવવાની એક મજબૂત મિસાલ સ્થાપી છે.


ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર હવે 'નો વ્હીકલ ડે' જેવા અભિયાન અને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વેગ આપી રહી છે. ઓફિસના સમયમાં ફેરફાર કરવા અને સાર્વજનિક પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવા જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી બિનજરૂરી ઈંધણનો વપરાશ ઘટાડી શકાય. સરકારનું સ્પષ્ટ માનવું છે કે, આ ઊર્જા સંકટ સામે લડવા માટે દરેક નાગરિકનું નાનું યોગદાન પણ દેશની આર્થિક સુરક્ષા માટે અત્યંત મહત્વનું સાબિત થશે.

Advertisement