મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, આખું વિસ્તાર ધણધણી ઉઠ્યું

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, આખું વિસ્તાર ધણધણી ઉઠ્યું

દેવાસ: મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં આજે સવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. અહીંના ટોંક કલાન વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જ્યારે અનેક મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો.


 ગુરુવારે સવારે લગભગ 11:30 વાગ્યે જ્યારે ફેક્ટરીમાં કામકાજ ચાલતું હતું, ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટના બાદ સ્થળ પર રૂંવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે સ્થાનિક લોકો એમ્બ્યુલન્સની રાહ જોયા વિના ઘાયલોને પોતાના હાથમાં ઊંચકીને હોસ્પિટલ તરફ દોડી રહ્યા હતા. ઘાયલોની ચીસોથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


 દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો દ્વારા હાલ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. વિસ્ફોટને કારણે ફેક્ટરીની ઇમારતને ભારે નુકસાન થયું છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી ચોક્કસ મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ઈજાગ્રસ્તોની સંખ્યા જોતા આંકડો વધવાની ભીતિ છે.


 વિસ્ફોટ કયા કારણોસર થયો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા વિસ્ફોટક સામગ્રીમાં લાગેલી આગ કારણભૂત હોવાનું મનાય છે. વહીવટીતંત્રએ જણાવ્યું છે કે બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ ફેક્ટરી પાસે જરૂરી પરવાનગી હતી કે નહીં અને સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવશે.