આણંદ જિલ્લામાં 111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદારોમાં જાગૃતિ લાવવા જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આગામી 23 એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયા પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મતદારો પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરે તે હેતુથી તા. 8 એપ્રિલથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગામડાઓ અને શહેરોમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
આ જ અભિયાન અંતર્ગત ઉમરેઠ ખાતે વોલ પેઈન્ટીંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઈપ્કોવાલા ફાઈન એન્ડ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ દિવાલો પર મતદાર જાગૃતિના ચિત્રો દોર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ સ્થળની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને ચિત્રોમાં રંગ ભરી મતદારોને અચૂક મતદાન કરવાની અપીલ કરી. નોંધનીય છે કે, સ્વીપ અંતર્ગત આગામી 19 એપ્રિલ સુધી 46 ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ મતદારોને જાગૃત કરવાની કામગીરી ચાલુ રહેશે.