Advertisement

માધવપુર ઘેડના આંગણે મહેકી મેઘાલયની લાકાડોંગ હળદર, સ્વાસ્થ્ય માટે અનમોલ ‘પીળું સોનું’

માધવપુર ઘેડના આંગણે મહેકી મેઘાલયની લાકાડોંગ હળદર, સ્વાસ્થ્ય માટે અનમોલ ‘પીળું સોનું’


પોરબંદર તા.૩૦ ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્મિણીના પવિત્ર વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ હવે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના નેમને સાર્થક કરતો રાષ્ટ્રીય ફલક બની ગયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પગલે આજે માધવપુરના સમુદ્ર કિનારે ઉત્તર-પૂર્વ ભારતની સંસ્કૃતિ અને કલાનો અનોખો સંગમ રચાયો છે. આ મેળામાં આ વખતે મેઘાલયના જયંતિયા હિલ્સની વિશ્વપ્રસિદ્ધ ‘લાકાડોંગ હળદરે’ લોકોનું સવિશેષ ધ્યાન ખેચ્યું હતું. પૂર્વના પહાડોમાં ઉગતી આ ઔષધીય હળદરની સુગંધ હવે માધવપુર ઘેડના મેળામાં મહેકી છે.


માધવપુર ઘેડના મેળામાં આયોજિત હસ્તકલા પ્રદર્શનમાં મેઘાલયથી આવેલા ફાસમે બર્ન જણાવે છે કે, દુનિયામાં માત્ર મેઘાલયના જયંતિયા પહાડી વિસ્તારમાં જ લાકાડોંગ હળદરનું ઉત્પાદન થાય છે. આ હળદર તેના અદભૂત સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે વિશ્વભરમાં જાણીતી છે. સામાન્ય રીતે બજારમાં મળતી હળદરમાં કર્ક્યુમિન (Curcumin) તત્વનું પ્રમાણ માત્ર ૨ થી ૩ ટકા હોય છે, જ્યારે લાકાડોંગ હળદરમાં આ પ્રમાણ ૭ ટકાથી પણ વધુ જોવા મળે છે. આવી વિશેષતાઓના કારણે જી.આઈ. ટેગ પ્રાપ્ત થયો છે.

મેળામાં પધારેલા ભાવિકો અને પ્રવાસીઓ આ હળદરના ગુણોથી પ્રભાવિત થઈને ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. 


ઉલ્લેખનીય છે કે, લાકાડોંગ હળદર ‘એન્ટી-ઈન્ફ્લેમેટરી’ હોવાથી શરીરમાં સોજા અને દુખાવા દૂર કરે છે. આ ઉપરાંત, તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણો કેન્સર અને ત્વચાના રોગો સામે રક્ષણ પૂરું પાડે છે તથા કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થાય છે.


આ પ્રદર્શનમાં હળદરની સાથે 

સાથે મેઘાલયના વિશિષ્ટ રીમેક ગ્રાસમાંથી બનાવવામાં આવેલી કલાત્મક વસ્તુઓનું પણ નિદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. 


 ફાસમે બર્ને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારનો આ અવસર ઉપલબ્ધ કરાવવા માટે આભાર પ્રગટ કર્યો હતો.

Advertisement