Advertisement

માળિયા હાટીનાના કાલિંભડામાં કરુણતા: દીકરીઓના લગ્નની ચોરી ચિતરાઈ અને પિતાનું નિધન, પરિવારે જાન વિદાય સુધી સમાચાર ગુપ્ત રાખ્યા

માળિયા હાટીનાના કાલિંભડામાં કરુણતા: દીકરીઓના લગ્નની ચોરી ચિતરાઈ અને પિતાનું નિધન, પરિવારે જાન વિદાય સુધી સમાચાર ગુપ્ત રાખ્યા

જૂનાગઢ: કહેવાય છે કે પિતા માટે દીકરીનો કરિયાવર અને તેના લગ્ન એ જીવનનું સૌથી મોટું સપનું હોય છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કાલિંભડા ગામે એક એવી ઘટના બની છે જે સાંભળીને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય. જે આંગણે દીકરીઓના લગ્નના મંગળ ગીતો ગવાતા હતા, ત્યાં જ પિતાની અર્થી ઉઠતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


 કાલિંભડા ગામના મોહનભાઈ રાઠોડની બે પુત્રીઓ, સીમાબહેન અને ધરતીબહેનના લગ્ન નિર્ધારિત હતા. એક દીકરીની જાન દિવાસાથી અને બીજી દીકરીની જાન આત્રોલીથી આવી હતી. પિતા મોહનભાઈ પોતે જાનૈયાઓની આગતા-સ્વાગતામાં અને નાસ્તાની વ્યવસ્થામાં વ્યસ્ત હતા. સવાર સુધી ઘરમાં હસતા-રમતા ચહેરાઓ અને મંગળ ગીતોનો ગુંજારવ હતો.


 સવારે અંદાજે સાડા દસ વાગ્યાના અરસામાં જ્યારે લગ્નની વિધિઓ ચાલી રહી હતી, ત્યારે અચાનક મોહનભાઈને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તેઓને તાત્કાલિક ૧૦૮ મારફતે માળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. સારવાર મળે તે પહેલા જ મોહનભાઈનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું.


 ઘરના મોભીના જવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, પરંતુ દીકરીઓના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થાય અને આવેલી જાન મુશ્કેલીમાં ન મુકાય તે માટે પરિવારે ભારે સંયમ રાખ્યો હતો. પિતાના મોતના સમાચાર લગ્ન પ્રસંગ પૂરો ન થયો ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવ્યા હતા. જાનૈયાઓએ શાંતિથી ભોજન લીધું ત્યાં સુધી કોઈને અણસાર પણ આવવા દીધો નહીં, જોકે આ કપરી પરિસ્થિતિમાં પરિવારના સભ્યોએ અન્નનો દાણો પણ લીધો ન હતો.


 બપોરે જ્યારે બંને દીકરીઓની જાન વિદાય થઈ ગઈ, ત્યારબાદ મોહનભાઈનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો. દીકરીઓને પિતાના મોતના સમાચાર મળતા જ લગ્નની ખુશી ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. જે આંગણે સવારે લગ્ન ગીતો ગવાતા હતા, ત્યાં મોડી સાંજે મરશિયા ગાવાનો વારો આવ્યો હતો. મોડી રાત્રે ગમગીન માહોલમાં મોહનભાઈની અંતિમયાત્રા નીકળી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું.

Advertisement