પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતમાં LPG સિલિન્ડરના પુરવઠા પર અસર થવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન એ તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને DGP સાથે બેઠક કરીને દેશભરમાં LPGની ઉપલબ્ધતાની સમીક્ષા કરી હતી.
બેઠકમાં રાજ્યોને LPG બોટલિંગ પ્લાન્ટ, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને ટ્રાન્સપોર્ટ વાહનોની સુરક્ષા વધારવા તેમજ ગેસના પુરવઠા પર રોજબરોજ મોનિટરિંગ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા. સાથે જ કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ફેક ન્યૂઝ સામે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. સાથે જ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા અને ઘરગથ્થુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવા માટે આદેશ આપવામાં આવ્યા છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે ખાસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.