અમદાવાદમાં LPGની અછત અને કાળાબજારના કારણે ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા નાના વેપારીઓ પર ભારે અસર પડી છે. ગેસની પૂરતી સપ્લાય ન મળતા ઘણા વેપારીઓએ ધંધા બંધ કરવા કે ફેરવી નાખવા પડ્યા છે. કાળાબજારના કારણે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચતા ચા થી લઈને ભોજન સુધી તમામ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
ઈરાન-ઈઝરાયલ તણાવના કારણે દેશમાં LPGની સપ્લાય પર અસર પડી છે, જેના પગલે સરકારે માત્ર 25 ટકા જથ્થો પૂરવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ વાસ્તવમાં વેપારીઓને સત્તાવાર સિલિન્ડર મળતા નથી અને તેમને કાળાબજારમાં રૂ. 4થી 5 હજાર સુધીમાં ગેસ ખરીદવો પડે છે, જેના કારણે ખર્ચ વધ્યો છે.
આ વધારાનો ભાર સીધો ગ્રાહકો પર આવી રહ્યો છે. નાના રેસ્ટોરન્ટમાં ભોજનની થાળીના ભાવ રૂ. 140-150 સુધી પહોંચી ગયા છે, જ્યારે વડાપાંઉ, દાબેલી અને ચા જેવા સામાન્ય ખાદ્ય પદાર્થોના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. બજાર નિષ્ણાતો મુજબ ભાવવધારાનું મુખ્ય કારણ અછત કરતાં વધુ કાળાબજાર અને તંત્રની નબળી નિયંત્રણ વ્યવસ્થા છે.