બોરસદમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નાણાંકીય મુશ્કેલીમાં મુકાયેલા એક આધેડ વ્યક્તિને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. બોરસદના રાજા મહોલ્લામાં રહેતા 53 વર્ષીય લિયાકતખાન સિકંદરખાન પઠાણે વર્ષ 2017માં પોતાની જરૂરિયાતને કારણે ગોપી જ્વેલર્સ પાસે સોનાના દાગીના ગીરવે મુકીને કુલ રૂ. 1.78 લાખની લોન લીધી હતી. તેમણે અલગ-અલગ તબક્કામાં સોનાનો હાર, બુટ્ટી, ચેન અને અન્ય દાગીના ગીરવે મૂક્યા હતા.
લિયાકતખાને શરૂઆતમાં રૂ. 1 લાખ જેટલી રકમ પરત પણ કરી હતી, પરંતુ નાણાંકીય સંજોગોને કારણે તેઓ નિયમિત વ્યાજ ચૂકવી શકતા નહોતા. થોડા સમય બાદ તેઓ પોતાના દાગીના છોડાવવા માટે દુકાનદાર પાસે ગયા ત્યારે તેમને વધુ વ્યાજ સાથે કુલ રૂ. 2.63 લાખ ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. આ રકમની વ્યવસ્થા કરીને તેઓ ફરી દાગીના લેવા ગયા, પરંતુ ત્યાં તેમને ચોંકાવનારું જવાબ મળ્યું.
દુકાનદારે દાગીના ઓગાળી નાખ્યા હોવાનો દાવો કર્યો અને બાદમાં વધુ મોટી રકમની માંગણી કરી. આરોપી દ્વારા કહેવામાં આવ્યું કે જો રૂ. 5.78 લાખ ચૂકવવામાં આવશે તો જ દાગીના પરત આપવામાં આવશે. આ વાતથી પીડિત વ્યક્તિ વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને છતાં પણ મિત્રો પાસેથી પૈસા એકત્ર કરીને તેઓ ફરી દુકાનદાર પાસે પહોંચ્યા.
પરંતુ આરોપીએ દાગીના પરત આપવા ઇનકાર કરી ધમકી આપતા આખરે લિયાકતખાન પઠાણે બોરસદ શહેર પોલીસ સ્ટેશનમાં મૌલિક સોની સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલો બહાર આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે