Advertisement

લોકલ ટ્રેનો બંધથી મુસાફરો પર સંકટ, ફરી શરૂ કરવાની માંગ ઉઠી

લોકલ ટ્રેનો બંધથી મુસાફરો પર સંકટ, ફરી શરૂ કરવાની માંગ ઉઠી

નડિયાદઃ કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલી લોકલ ટ્રેનો હજુ સુધી શરૂ ન થતાં અમદાવાદ-વડોદરા રેલવે લાઈન પર અપડાઉન કરતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ટ્રેનો ફરી શરૂ થઈ ગઈ હોવા છતાં લોકલ અને મેમુ ટ્રેનો બંધ જ રાખવામાં આવી છે, જ્યારે બીજી તરફ એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ બનાવી દેવાતા સામાન્ય મુસાફરો માટે અવરજવર વધુ મુશ્કેલ બની ગઈ છે.


આણંદ, નડિયાદ, મહેમદાવાદ, ગોઠાજ, નૈનપુર, કનીજ, બારેજડી, ઉતરસંડા, કંજરી બોરીઆવી, વાસદ, વટવા અને નંદેસરી જેવા વિસ્તારોના દૈનિક મુસાફરો માટે લોકલ ટ્રેનો મુખ્ય સહારો હતી. દૂધ-શાકભાજીના વેપારીઓ, જીઆઇડીસીમાં નોકરીએ જતા લોકો અને નાના વેપારીઓ માટે આ ટ્રેનો આશીર્વાદ સમાન હતી. પરંતુ લોકડાઉન પછી લોકલ ટ્રેનો ફરી શરૂ ન થતા હવે આ વર્ગને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે, જેના કારણે ખર્ચમાં વધારો અને મુશ્કેલી વધી છે.


મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી છે કે, કોરોના કાળમાં બંધ કરાયેલી વિરમગામ-વલસાડ, અમદાવાદ-મુંબઈ, દાહોદ-આણંદ-ગાંધીનગર મેમુ અને આણંદ-અમદાવાદ મેમુ જેવી ટ્રેનોને ફરી શરૂ કરવામાં આવે. હાલ પરિસ્થિતિ એવી છે કે બપોરે નીકળતી અને રાત્રે પરત આવતી એકાદ મેમુ સિવાય મુસાફરો પાસે કોઈ વિકલ્પ નથી.


બીજી તરફ, સુપરફાસ્ટ બનાવાયેલી ઇન્ટરસિટી અને સૌરાષ્ટ્ર ટ્રેનોમાં સ્ટોપેજ ઓછા થતા મુસાફરોમાં રોષ ફેલાયો છે. મહેમદાવાદ અને મણીનગર જેવા સ્ટેશનોના સ્ટોપેજ બંધ થતા સ્થાનિક મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મુસાફરોની માંગ છે કે આ ટ્રેનોને ફરી એક્સપ્રેસ તરીકે દોડાવી પૂર્વવત સ્ટોપેજ આપવામાં આવે.


આ મુદ્દે મુસાફરો દ્વારા આણંદના સાંસદને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે રેલવે તંત્ર મુસાફરોની આ માંગ પર ક્યારે અને શું નિર્ણય લે છે.

Advertisement