ખેડા જિલ્લાના કઠલાલમાં પશુચોરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તસ્કરો લક્ઝરી ફોર્ચ્યુનર કારમાં ભેંસ ચોરી કરવા નીકળ્યા હતા. પોલીસે આ મામલે અમદાવાદના ત્રણ કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે અને સમગ્ર ગેંગનો પર્દાફાશ કર્યો છે.
આ ઘટના 14 માર્ચે સરખેજ ડાભીની મુવાડી ગામે બની હતી, જ્યાંથી આશરે ₹60,000ની ભેંસની ચોરી કરવામાં આવી હતી. સામાન્ય રીતે પશુચોરી માટે ટેમ્પો કે ટ્રકનો ઉપયોગ થતો હોય છે, પરંતુ અહીં લક્ઝરી કારનો ઉપયોગ થતાં ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
કેસ ઉકેલવા માટે પોલીસે 30થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી. ખલાલ ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી પોલીસે ત્રણેય આરોપીઓને ફોર્ચ્યુનર ગાડી સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ફોર્ચ્યુનર કાર, મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹4.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ પશુચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે અને ગોઠવણબદ્ધ રીતે આ ગુનાહિત પ્રવૃત્તિ ચલાવતા હતા.