લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર વિસ્તારમાં બુધવારે સાંજે એક અત્યંત ભયાનક દુર્ઘટના ઘટી હતી. અહીં આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક પછી એક 100થી વધુ ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતા. આ બ્લાસ્ટને કારણે આખું શહેર ધણધણી ઉઠ્યું હતું અને આગના ધુમાડાના ગોટા 10 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા.
સીતાપુર બાયપાસ પાસે આવેલી આ વસાહતમાં સાંજે આશરે 4 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે આખી ઝૂંપડપટ્ટીને પોતાની લપેટમાં લઈ લીધી હતી. ઝૂંપડાઓમાં રાખેલા રાંધણ ગેસના સિલિન્ડરોમાં શ્રેણીબદ્ધ ધડાકા થવાનું શરૂ થતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. આગની જ્વાળાઓ 30 ફૂટ ઊંચે સુધી ઉછળતી જોઈ લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓ માટે આ કામગીરી બેવડો પડકાર સાબિત થઈ હતી, કારણ કે એકતરફ ભીષણ આગ ઠારવાની હતી અને બીજી તરફ સતત થઈ રહેલા સિલિન્ડર બ્લાસ્ટથી પોતાનો જીવ પણ બચાવવાનો હતો. આશરે 8 કલાકની સતત જહેમત અને જીવના જોખમે કામગીરી કર્યા બાદ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ માનવ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક નુકસાન અત્યંત મોટું છે. આશરે 1000થી વધુ ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા છે, જેના કારણે સેંકડો પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. દુખદ વાત એ છે કે આ આગમાં મરઘાં અને બકરીઓ સહિત આશરે 50 જેટલા નિર્દોષ પશુઓ જીવતા ભુંજાઈ ગયા છે.
દુર્ઘટના સ્થળે પોતાના સ્વજનોને શોધવા માટે વ્યાકુળ થયેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. જ્યારે પોલીસે લોકોને સુરક્ષાના કારણોસર આગની નજીક જતા અટકાવ્યા, ત્યારે ઉશ્કેરાયેલી ભીડે પોલીસ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ પર પથરાવ કર્યો હતો. આ અથડામણમાં 8 થી 10 લોકોને ઈજા પહોંચી છે. હાલમાં વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે.